પાટડી: પાટડીના વયોવૃદ્ધ ઇન્દુચાચા પાસે અતિ દુર્લભ ગણાય એવો અત્યંત જર્જરિત ઐતિહાસિક ચોપડો મળી આવ્યો છે. જેમાં લખાયેલા ઇતિહાસ પરથી માલૂમ પડે છે કે એક માત્ર પાટીદાર નાથાલાલ રણમલ વિક્રમ સંવત ૧૩૩૧માં ચાંપાનેરથી વિરમગામ થઈને પાટડી આવીને વસ્યા હતા અને પાટડીનો આખો પટેલ સમાજ તેમનો વંશજ છે. પાટનગરનું ટૂંકું નામ ‘પાટ’ ઝાલા રાજવીઓનું એ પાટનગર બન્યું ત્યારથી કદાચ એનું નામ ‘પાટડી’ પડ્યું હોઈ શકે! જ્યારે રબારી ચોપડા અનુસાર બકરીના નામ ઉપરથી પાદડીનું રૂપાંતર થઈ ‘પાટડી’ નામ પડ્યું હોઈ શકે છે!
પાટડીના ઇન્દુચાચાના હુલામણે નામે જાણીતા ઇન્દ્રવદનભાઈ પટેલ પાસે પાટડીના ઐતિહાસિક ધરોહર સમો ૭૩૭ વર્ષ જૂનો ચોપડો મળ્યો છે તેમાં ધરોબાયેલા ઈતિહાસની મળી આવેલી માહિતી અનુસાર, સમગ્ર પાટડીનો પટેલ સાથે સાથે દેસાઈ સમાજ નાથા રણમલના વંશજો છે. સંવત ૧૩૩૧માં ચાંપાનેરથી તેઓ પાટડી આવ્યા હતા અને નાથા રણમલના દીકરા વેણા નાથા દેસાઈગીરીનું કામ કરતા હોવાથી તેઓ દેસાઈ કહેવાયા હતા. જ્યારે અન્ય ભાઈઓ પટલાઈનું કામ કરતા હોવાથી એના વંશજો પટેલો કહેવાયા હતા.
કડવા પાટીદારોનું એકમાત્ર રાજ્યઃ પાટડી
પાટડીના ઇતિહાસ પર પીએડી કરનારા પ્રોફેસર ડો. હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ જણાવે છે કે, પાટડીના પ્રાચીન ઇતિહાસના લેખાંજોખાં શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. પાટડી એ સમગ્ર દેશમાં પાટીદાર સમાજનું એકમાત્ર રાજ્ય હતું. પાટડીની ઐતિહાસિક ધરોહર સમો જાજરમાન કિલ્લો અને હવા મહેલ આજેય પ્રાચીન ઇતિહાસની ઝાંખી કરાવે છે.
નાથા રણમલની ૧૬મી પેઢી આજે પણ હયાત છે.
પાટડીના ઇન્દુચાચા જણાવે છે કે, આ ચોપડામાં લખાયેલી દુર્લભ વિગતો અને વંશવેલા મુજબ હાલમાં એમની ૧૬મી પેઢી હયાત છે. નાથા રણમલને વેણા નાથા, શાણા નાથા, ભાણા નાથા, પરખા નાથા, રાણા નાથા અને હખા નાથા એમ કુલ છ પુત્રો હતા જેમાં રાણા નાથા અને હરખા નાથાનો આગળ વંશ ન હતો.