મોટી વિરાણીઃ નખત્રાણા તાલુકાના આમારા ગામથી એક કિલોમીટરના અંતરે આવેલા કોમી એકતાના પ્રતીક હજરત કરોલ કાસમ (ર.અ.) - કરોલપીરનો ત્રિદિવસીય મેળામાં કાળઝાળ તાપ વચ્ચે શ્રદ્ધાનાં ઘોડાપુર ઊમટયાં હતાં. ૩ દિવસમાં અંદાજિત દોઢથી બે લાખ યાત્રાળુઓ વલીની મજારે શ્રદ્ધાથી માથું નમાવી ગયા હતા. રવિવારથી શરૂ થયેલા આ લોકમેળાના બીજા દિવસે ઝોહર નમાજ બાદ સંદલ નીકળી હતી અને વલીની મજારે ચાદરપોશી થઈ હતી. જેમાં દરગાહના મુજાવર આરબભાઈના વડપણ હેઠળ અલીમામદ, મૌલાના હાજી હારૂન, મુજાવર ઉમરભાઈ, દિલુભા વગેરે જોડાયા હતા. આ અવસરે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ચાદરપોશી કરતાં કહ્યું હતું કે, કચ્છના મહાન વલીઓ, સંતો કચ્છની ધરતીને પાવન કરીને અમનનો સંદેશો આપી ગયા છે. રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સિંધી કાફી, કચ્છી ગીત જેવા સુફિયાના રાગે મેળામાં મોડી રાત્રિ સુધી સહેલાણીઓને ડોલાવ્યા હતા. ઈસ્માઈલ પારા, સોતા ગુલામ, સિંધી કાફી-કવાલીની જમાવટથી શોખીનોને જકડી રાખ્યા હતા. જ્યારે જોડિયા પાવા ઉપર ઈસ્માઈલભાઈએ રંગત જમાવી હતી.