અમદાવાદઃ સામાન્ય રીતે લોકોમાં એવી સમજ પ્રવર્તે છે કે, કાંટાળા થોર બિનઉપયોગી છે, પણ કચ્છના ભુજ સ્થિત સેન્ટ્રલ ઓરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટટ્યૂટના સંશોધકોએ થોરની એવી નવી જાતો શોધી છે કે, રણ વિસ્તારમાં ઘાસચારાની તંગી સર્જાય ત્યારે પશુઓ ઘાસના વિકલ્પરૂપે કાંટા વિનાના થોરને પણ ખાઈ શકે. આ સંશોધન ખાસ કરીને રણ વિસ્તારના પશુપાલકો માટે આશીર્વાદરૂપ નિવડી શકશે. આગામી દિવસોમાં કચ્છમાં પ્રગતિશીલ ખેડૂતો પશુઓ માટેના ઘાસચારાના વિકલ્પમાં કાંટા વિનાના થોરનું વાવેતર કરશે.
ઓછો વરસાદ હોય, પાણીની તંગી સર્જાય ત્યારે સરહદી અને રણ વિસ્તારમાં ઘાસચારાની એટલી તંગી સર્જાય છે કે, પશુપાલકોને પશુઓ લઈને સ્થળાંતર કરવાની ફરજ પડે છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે પણ ઘાસચારો આપીને પશુધન જીવાડવું પડે છે. ત્યારે આ ચારો ઘણો ઉપયોગી થશે. રણ વિસ્તારમાં થોરની વિવિધ પ્રજાતિ છે. સેન્ટ્રલ ઓરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટિટયૂટના સંશોધકોએ થોરની ઘણી જાતિ પર સંશોધન કર્યું છે તે પૈકી પાંચ જાતો તો એવી હતી કે, જે પશુઓ પૌષ્ટિક આહાર તરીકે ખાઈ શકે. કાંટા વિનાની થોરની આ જાતિ એવી છે કે, ઓછા પાણીમાં ઉગાડી શકાય છે. પ્રતિ હેકટર ૭થી માંડીને ૧૯ ટન ઉત્પાદન થઈ શકે છે. પશુઓ થોરના લીલા પાંદડાનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. સંશોધકોનું કહેવું છે કે, કાંટા વિનાના થોરમાં ૯૦ ટકા પાણી છે. પરિણામે રણ વિસ્તારમાં પશુઓ માટે આ ખૂબ લાભદાયી છે. પશુઓને ડંગરના ભૂસા સાથે ભેળવીને થોરના લીલા પાંદડા ખવડાવી શકાય છે. બકરાં, ભેંસ સહિતના પશુઓ થોરના પાંદડા ખાય છે કે કેમ તે અંગે ભારતમાં ટેસ્ટ થઈ ચૂક્યા છે.
કાંટા વિનાના થોરની વિશેષતા
કંટા વિનાના થોરમાં ફ્રૂડ ફાયબર્સ, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ ઉપરાંત ખનિજ અને પાણીની ભરપૂર માત્રા છે. ઘાસચારાની તંગી હોય ત્યારે વિકલ્પરૂપે થોરના લીલા પાંદડા પશુઓ માટે પોષ્ટિક આહાર છે. સંશોધકો કહે છે કે, ભેંસ, બકરી, ઘેટાં અને ગાય માટે ખોરાક માટે ઉપયોગી એવા થોરના પાંદડાની માત્રા નક્કી કરાઈ છે. સંશોધનમાં એવા તારણો બહાર આવ્યાં છે કે, થોરના પાંદડાનો ખોરાક લીધા બાદ બકરીના વજનમાં વધારો થયો હતો.
એક હેકટરમાં ૩૦ ટન થોરનું ઉત્પાદન
રિસર્ચ પ્રમાણે ખેતરોમાં થોરના ઉત્પાદનને લઈને અભ્યાસ કર્યો ત્યારે એવા તારણો જોવા મળ્યાં કે, શુષ્ક અને રણ પ્રદેશોમાં ઓછા પાણી માવજત વિના થોરનું વધુ ઉત્પાદન થઈ શકે છે. ભૂજમાં એક વર્ષના અંતે હેકટર દીઠ ૭.૮ ટન લીલા ઘાસનું ઉત્પાદન થાય છે જ્યારે ત્રણ વર્ષ બાદ આ જ કચ્છમાં ૩૦ ટન લીલા તાજા થોરનું ઉત્પાદન થઈ શકે છે.