નખત્રાણાઃ છારીઢંઢ પાસેના કીરો ડુંગરની તળેટીમાં ફોસિલ્સનું વૈવિધ્ય દેખાય છે. સ્વર્ણિમ પથ્થર સહિતના જીવાશ્મિઓના ધાતુ પરિક્ષણ સહિતના અભ્યાસ સંશોધકો દ્વારા થાય તો વધુને વધુ માહિતી પ્રાપ્ત થઈ શકે છે. જોકે છારીઢંઢ આમ તો પક્ષીઓનું તીર્થસ્થળ છે. દર શિયાળે છારીઢંઢમાં યાયાવરોનો મેળો જામે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે. બરાબર ઢંઢના પશ્ચિમ કીરો ડુંગર આવેલો છે.
આ વિસ્તાર સમુદ્રી વિસ્તાર હતો. કહેવાય છે કે આ કીરો ડુંગર પોતાની અંદર હજારો વર્ષોનો ઈતિહાસ સાચવીને બેઠો છે અને આજે પણ તેની તળેટીમાંથી અનેકાનેક ફોસિલ્સ મળે છે જે વિસ્મય પમાડે છે. આ કીરોમાંથી અનેક ધાતુ, ખનિજ મળી આવે છે. હાલમાં પણ આ પ્રકારના કેટલાય સુંદર પથ્થરો અહીં મળી આવ્યા છે.