ભૂજઃ કચ્છી કેસર કેરીની માંગ સમગ્ર ભારત સહિત વિદેશોમાં પણ રહેતી હોવાથી કિસાનો મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન કરે છે. જો કે ગતવર્ષે વાવાઝોડું અને પ્રારંભિક તબક્કે જ સચરાચર વરસાદના કારણે પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. અધુરામાં પૂરું, લોકડાઉનના પગલે ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ રહેતા સ્થાનિક સ્તરે જ ઓછા ભાવે કેરીનું વેચાણ કરવાની ફરજ પડતાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જોકે આ વર્ષે ફળોની રાણી ગણાતી કેસર કેરીની બમણી આવક થવાનું અનુમાન ખેડૂતો મૂકી રહ્યા છે. આ વખતે અત્યારથી આંબે પુષ્કળ પ્રમાણમાં મોર ઝુલી રહ્યા છે. નેત્રાના ખેડૂત શંકરભાઈ માકાણીના જણાવ્યા પ્રમાણે આંબામાં જુદી-જુદી અવસ્થાઓ સાથે કુદરતી રીતે ફુલ અને ફળનું ખરણ થતું હોય છે. આ વરસે શિયાળામાં ઠંડી વધુ પડતાં આંબા ઉપર પુષ્કળ સંખ્યામાં મોર જોઈ શકાય છે. છેલ્લા થોડા વર્ષોથી કચ્છી કેસરનું ઉત્પાદન વધ્યું છે, પરંતુ કેરીના મોરને ઝાકળ, વધુ પડતો પવન, માવઠું અને માખીનો ઉપદ્રવ સહિતના અનેક પરિબળો નુકસાન પહોંચાડી શકે છે. જોકે હાલમાં આંબામાં જ્યાં દાણા લાગી ગયા છે તેને કોઈ ખતરો નથી. આ વરસે મોટી આફત આવે તો જ કેરીના પાકને નુકસાન થઈ શકે છે. બાકી કચ્છી કેસરને મન ભરીને કેરી આરોગવાનો મોકો મળશે.