કોટડાઃ રહા મોટાના કૂવામાં નેવક મહિનાથી પડી ગયેલા બિલાડાને દરરોજ ત્રણ વખત દૂધ, બિસ્કિટ, ખીચડીનું નિયમિત ટિફિન જાય છે. રહા મોટાના પાદરે આવેલી વાડીના અંદાજે સો ફૂટ ઊંડા પાણી વરના અવાવરુ કૂવામાં નવેક મહિના અગાઉ સીમનો કાળો બિલાડો અકસ્માતે પડી ગયો ને બચી ગયો. બે-ત્રણ દિવસ કૂવામાંથી બિલાડાની રાડો મ્યાઉં મ્યાઉં જોરથી સંભળાતાં વાડી માલિક ગેલુભા હઠુભા જાડેજા જે જૂથ પંચાયતના સરપંચ છે તેમણે બિલાડાને બહાર કાઢવા આદિવાસી, કોળી વગેરે મજૂરો દ્વારા રસ્સાથી માંચડો બાંધી ઘણી કોશિશ કરી પણ કામયાબ ન થતાં છેવટે વચગાળાનો રસ્તો કાઢ્યો હતો. દરરોજ રસ્સીથી માંચી બાંધી તેમાં દૂધ, બિસ્કિટ વગેરે ખાવા મોકલાતાં બિલાડાની બૂમો તો બંધ થઈ ગઈ પણ હવે આ રોજિંદો નિયમ થઈ ગયો છે.
સરપંચે દિવસમાં બેથી ત્રણ વખત નિયમિત સવારના દૂધ-બિસ્કિટ, બપોરે બાજરાનો ઘી લગાવેલો રોટલો અને સાંજે ઘીવાળી ખીચડી કૂવામાં મોકલવાની વાડીના ખેતમજૂર હીરૂભા દીપસંગજીને જવાબદારી સોંપી છે.
કૂવામાં પડેલા બિલાડાને દરરોજ નિયમિત મળવાનું કારણ એ બન્યું છે કે કૂવા નજીક રેહા મોટા દૂધ મંડળી છે. તેના સંચાલકો મહેન્દ્રસિંહ જાડેજા અને દેશળજી જાડેજા કચ્છ ડેરી સંચાલિત ડેરી માટે પશુપાલકો અહીં દૂધ ભરાવે છે.
સરપંચ કહે છે કે કોઈ સેવાભાવી સંસ્થા મદદે આવે, ભલેને ખર્ચ આપવો પડે, નવ મહિનાથી બેથી ત્રણ વખત દરરોજ ટિફિન મોકલીને જીવતા રાખેલા બિલાડાને બહાર કાઢવો છે.