કચ્છની દાબેલી - ડબલ રોટી ગુજરાતી-કચ્છી વસ્તીવાળા પ્રદેશોમાં આમ તો પ્રખ્યાત છે. ભારતમાં ગલી ગલીએ રેકડી પર દાબેલી વેચાતી હોય એ દૃશ્ય સામાન્ય છે, પણ વિદેશમાં જ્યારે કચ્છી દાબેલી મળતી થાય ત્યારે કચ્છીઓ - ગુજરાતીઓ એનો સ્વાદ ચાખ્યા વગર ન રહી શકે. હવે આવું જ કેન્યામાં રહેતા કચ્છીઓ અને ગુજરાતીઓ સાથે બન્યું છે. તેઓ આસાનીથી દાબેલીની મજા લઈ શકે છે. કચ્છ નારાણપરના ભરત ગોરે દાબેલીનો વ્યવસાય નૈરોબીમાં શરૂ કર્યો છે. કેન્યા (આફ્રિકા)ના નૈરોબીમાં આવેલા સ્કાય મોલની એક દુકાન પર બોર્ડ મારેલું છે મહારાજ એન્ટરપ્રાઇઝ જ્યાં કચ્છી દાબેલી ઉપરાંત રગડો અને ભેળ જેવી વિવિધ વાનગીઓ મળે છે. કેન્યામાં વસતા માત્ર કચ્છીઓ જ નહીં, ગુજરાતી વેપારીઓ, અન્ય ભાષીઓ અને સ્થાનિક પ્રજાને પણ દાબેલીનો સ્વાદ પસંદ પડી ગયો છે. દાબેલી સાથે કચ્છના ટેસ્ટનો રગડો, મસાલા ટોસ્ટ અને ભેળની મજા પણ લોકોને માણવા મળે છે.
ભરતભાઈ કહે છે કે, નૈરોબીમાં કચ્છના લેવા પટેલની વસ્તી વધારે છે. કચ્છના જૈનો-લોહાણા પણ અહીં વસે છે. બધા વેપારીઓ મોટેભાગે કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જ છે. આ ગ્રાહકો દુકાને આવેલી દાબેલી-રગડાની મોજ માણે ઉપરાંત ઘર માટે પાર્સલ લઈ જાય. થોડા સમયમાં આ દાબેલી નૈરોબીના સ્થાનિકોમાં પણ પ્રખ્યાત થઈ ગઈ છે. જોકે ગ્રાહકોમાં પટેલો વધારે પ્રમાણમાં હોય છે.
ખરેખર તો નારણપરની દાબેલીનો સ્વાદ ચાખી ગયેલા એનઆરઆઈ પટેલોના આગ્રહથી નૈરોબીમાં દાબેલી મળવા લાગી છે. પટેલ ચોવીસીના ભાઈઓ વતન આવે ત્યારે નારાણપર (ભુજમાં) આવેલી મહારાજની દાબેલીની દુકાનની અચૂક મુલાકાત લે અને દાબેલી-રગડો મન ભરીને ખાય. નારણપરમાં હરીશભાઈ ગોર આ પરંપરાગત વાગનીનો ધંધો સંભાળે છે.
હરીશભાઈએ નૈરોબીમાં કચ્છની દાબેલી મળતી થવાનું કારણ આપતાં કહ્યું હતું કે, પટેલ ચોવીસીનાં ગામોમાં ઉત્સવ કે કોઈ શુભ અવસર હોય ત્યારે પટેલભાઈઓ અહીં આવે. નૈરોબીમાં વસતાં એનઆરઆઈ ભાઈઓ બહેનોએ આગ્રહ કર્યો કે નારાણપર આવીએ ત્યારે જ દાબેલી- રગડો ખાવા મળે છે. અમને બારેમાસ તમારી બનાવટના મસાલાની દાબેલી, રગડો ખાવા મળે એ માટે નૈરોબીમાં આવો. એનઆરઆઈ મિત્રોએ કહ્યું એટલે મારા નાના ભાઈ ભરતને નૈરોબી મોકલવાનું નક્કી કર્યું. ભરતે આશરે ત્રણ વાર કોશિશ કરી હતી, પણ બિઝનેસ પરમિટ મળતી નહોતી. હાલમાં મંજૂરી મળી ગઈ એટલે સાહસ કર્યું. નૈરોબીમાં લોકોનો સારો સહયોગ મળી રહ્યો છે. અમારા આશ્ચર્ય વચ્ચે માત્ર કચ્છી અને ગુજરાતીઓને જ નહીં પણ પરંપરાગત કચ્છી દાબેલીનો સ્વાદ સ્થાનિક આફ્રિકનોને પણ પસંદ પડી રહ્યો છે.