કેન્યામાં ઇસ્માઇલી ખોજા સમાજના અગ્રણી અને મોટેલ કિંગ તરીકે ઓળખાતા સલીમ મોલુએ તાજેતરમાં પોતાના વતન કચ્છના કેરા ગામે રૂ. ત્રણ કરોડના ખર્ચે કોમ્યુનિટી સેન્ટર અને અંતેષ્ઠીની વિધિ કરી શકાય તેવી વાડીની વ્યવસ્થા ઊભી કરી છે. હકીકતમાં સલીમ મોલુની ઇચ્છા રૂ. ત્રણ કરોડ મણિનગર ગાદી સંસ્થાનને દાન આપવાની હતી પણ ગાદીના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજીએ તેમને જણાવ્યું હતું કે, ‘તમારે સારું કાર્ય કરવું હોય તો તમારા સમાજના લોકો માટે કંઇક કરો.’ તેમણે કચ્છમાં કોમ્યુનિટી સેન્ટરનો પ્રોજેક્ટ શરૂ કર્યો અને તેનું ભૂમિપૂજન પુરષોત્તમપ્રિયદાસજી મહારાજના હસ્તે કરાવ્યું.
પુરષોત્તમપ્રિયદાસજીની મુલાકાત મોમ્બાસામાં પ્રેમ પટેલ નામના વકીલે કરાવી હતી. ત્યારે સલીમભાઇ ખૂબ તકલીફમાં હતા, તેમણે પ્રેમભાઇને કહ્યું હતું કે, તમારા આચાર્ય સાથે મારી મુલાકાત કરાવો. આચાર્યએ તેમને પ્રસાદીનું જળ આપીને તેમની સમસ્યાનું સમાધાન કરાવી આપ્યું હતું, ત્યારથી સલીમભાઇ સ્વામીજીમાં શ્રદ્ધા ધરાવે છે.