કેરા (તા. ભુજ): કેન્યામાં કનબીસ ક્રિકેટ ક્લબના સ્થાપક ટ્રસ્ટી, કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પૂર્વટ્રસ્ટી તેમજ કચ્છી લેવા પટેલ નાઇરોબી સમાજના પૂર્વ ટ્રસ્ટી અને માધાપરના શિક્ષણપ્રેમી કરશનભાઇ લાલજી વેકરિયાનું કર્મભૂમિ નાઇરોબીમાં ૮૩ વર્ષની વયે તાજેતરમાં અવસાન થયું હતું.
સ્પષ્ટ વક્તા, માર્ગદર્શક અને બાંધકામ ક્ષેત્રે સાહસી એવા કરશનભાઈએ કેન્યામાં રમતગમત ક્ષેત્રે કચ્છી યુવાનોને પ્રેર્યા હતા. માધાપરમાં ‘આપણું ઘર’ સંસ્થાના તેઓ પ્રેરક હતા. સરસ્વતી વિદ્યાલય, એમ.એસ.વી. હાઇસ્કૂલ, સત્સંગ સંલગ્ન પ્રવૃત્તિઓ અને ભુજ લેવા પટેલ સમાજના કાર્યો માટે તેઓ ઉત્સાહી દાનવીર રહ્યા હતા.
ભુજ સમાજના પ્રમુખ હરિભાઇ કેશરા હાલાઇ, એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, આ ટ્રસ્ટના પૂર્વ મંત્રી હરજીભાઇ માધાપરિયાએ શ્રદ્ધાસુમન અર્પ્યા હતા. સમાજ મોભી આર. આર. પટેલે કહ્યું કે, આફ્રિકામાં ચાલતી સામાજિક પ્રવૃત્તિઓના તેઓ માર્ગદર્શક અને દાતા હતા. તેમના જવાથી ન પુરાય તેવી ખોટ પડી છે. નાઇરોબી સમાજ પ્રમુખ આર. ડી. વરસાણીએ કહ્યું, લંગાટા કચ્છ પ્રાંતની જમીન માટે તેમણે દિશાનિર્દેશ કર્યો હતો અને લંગાટામાં વસાહત ઊભી કરવા કચ્છીઓને પ્રેર્યા હતા. કનબીસ સ્પોર્ટસ ક્લબના સ્થાપક ચેરમેન મૂળજીભાઇ પીંડોરિયાએ સાથી કાર્યકર ગુમાવ્યાની તો યુ.કે. કોમ્યુનિટી અધ્યક્ષ માવજીભાઇ વેકરિયાએ માર્ગદર્શક ગુમાવ્યાનું જણાવ્યું હતું. ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે કહ્યું કે, કરશનભાઇ સત્સંગ, શિક્ષણપ્રેમી, સમાજસેવક હતા.