કેન્યામાં કેન્યાટાના વિજયનો હિંસક વિરોધઃ ૧૦૦નાં મોત, કચ્છીઓ સુરક્ષિત

Wednesday 16th August 2017 06:26 EDT
 
 

નાઇરોબી, કેરા (ભૂજ)ઃ આફ્રિકી દેશ કેન્યાની રાષ્ટ્રીય ચૂંટણીના બુધવારે - ૯ ઓગસ્ટે પરિણામ જાહેર થયાના થોડાક જ કલાકોમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો હતો. જ્યુબિલી પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ જોમો કેન્યાટા (૫૪.૨ ટકા - ૮૧,૮૯,૦૬૭ મત) વિજયપંથે આગળ વધતા ગયા હતા તેમ વિરોધ ઉગ્ર બનતો ગયો હતો. મતગણતરીના અંતે વિરોધ પક્ષના નેતા ઓડીએમ પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રાઇલા ઓડિંગાને ૪૪.૮ ટકા મત (૬૭,૬૯,૦૪૬ મત) મળ્યાનું જાહેર થયું હતું.
અંતે કેન્યાના પ્રમુખ તરીકે ઉહુરુ કેન્યાટા બીજી મુદત માટે દેશના પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા. પ્રમુખના સમર્થકો તેમના વિજયની ઉજવણી કરી રહ્યા હતા, પરંતુ નાઈરોબી અને દેશના પશ્ચિમ વિસ્તારોમાં વિરોધપક્ષ શક્તિશાળી હોવાથી ત્યાં વિરોધપક્ષો અને તેના સમર્થકોએ ચૂંટણી પરિણામોને ફગાવીને વિરોધ શરૂ કર્યો હતો. અત્યાર સુધીમાં આ મુદ્દે ભડકેલી હિંસામાં ૧૦૦નાં મોત થયા છે જ્યારે સરકારે ૨૪ના મોતની પુષ્ટિ આપી છે. કેન્યાના રાજકીય વિશેષજ્ઞોના મતે, આ પરિસ્થિતિમાં લાગે છે કે વર્ષ ૨૦૦૭ની હિંસાનું પુનરાવર્તન થશે. પૂર્વી આફ્રિકાના આ દેશમાં આશરે ૧૫થી ૧૭ હજાર કચ્છીઓ વસે છે. જોકે આ તમામ કચ્છી પરિવારો સુખરૂપ હોવાના અહેવાલ છે.

મતગણતરીમાં ગોટાળાનો આક્ષેપ

ઓડિંગાના સમર્થકો સહિતના વિરોધ પક્ષે મતગણતરીમાં મોટાપાયે ઘાલમેલ થયાનો પણ આક્ષેપ કર્યો હતો તો બીજી તરફ ચૂંટણી પંચે આવી કોઇ પણ ગેરરીતિ થયાનો ઇન્કાર કર્યો હતો. વિરોધ પક્ષે કેન્યાટા અને તેમના પક્ષના વિજયના સંકેતો મળતાં જ તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. અંતરિયાળ વિસ્તારોમાં નવમીએ જ ઓડિંગાના સમર્થકો રસ્તા પર ઉતરી પડ્યા હતા અને હિંસક વિરોધ પ્રદર્શન કરીને તેમના આક્રોશને વાચા આપી હતી.
જાહેર થયેલા ચૂંટણી પરિણામો અનુસાર ત્રીજા નંબરે રહેલા ન્યાગહને ૦.૩ ટકા (૩૭,૭૮૮) અને એઆરસીના ડીડાને માંડ ૦.૨ ટકા (૩૫,૨૬૬) મતો મળ્યાં હતાં. પાંચમા સ્થાને સ્થાને રહેલા ટીએકે પક્ષના ઔકોટને ૨૭,૨૯૧ મત, કાલુયુને ૧૧,૬૧૮, યુડીપીના જિરોન્ગોને માત્ર ૨૨,૨૩૮ અને વાઇનાનિયાને ૮૮૩૨ મત મેળવ્યા છે.
જ્યાં ૧૫થી ૧૭ હજાર કચ્છીઓ કાયમી વસવાટ કરે છે તેવા પૂર્વી આફ્રિકી દેશ કેન્યામાં વસતાં કચ્છીઓના વ્યવસાયિક ભવિષ્ય માટે અતિમહત્ત્વ ધરાવતી આ ચૂંટણીમાં અપવાદરૂપ ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. ભયના ઓથાર હેઠળ કચ્છીઓએ પણ મતદાન કર્યું હતું.
પરિણામો જાહેર થવા લાગતાં જ વર્તમાન રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટા જંગી સરસાઇ સાથે વિજય તરફ આગળ વધી રહ્યા હોવાનું જાહેર થયું હતું. તેમના નજીકના હરીફ રાઇલા ઓડિંગાએ ફેરચૂંટણી યોજવાની માગણી કરતાં આક્ષેપ કર્યો હતો કે વાયરસની મદદથી ડેટા હેક કરીને મતગણતરીને પ્રભાવિત કરાઇ હતી. આ પછી ઝલવો જાતિના સમર્થકોએ તોફાન અને આગજની ફેલાવવાનું કરવાનું શરૂ કરતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં તંગદિલી ફેલાઈ હતી.

કચ્છીઓ સલામત

કેન્યાની સામાન્ય ચૂંટણીઓમાં અગાઉ ઓબ્ઝર્વર તરીકે કાર્ય કરી ચૂકેલા કચ્છી આગેવાન મૂળજીભાઈ લાલજી પિંડોરિયાએ કેન્યાના કચ્છીઓ ‘સબ સલામત’ હોવાના ખબર આપ્યા હતા અને ચિંતાનું કોઈ કારણ ન હોવાનું કહ્યું હતું. છેલ્લા થોડા સમયથી ચૂંટણીના માહોલના કારણે ધંધા-રાજગોરમાં મંદી પ્રવર્તતી હતી. પરિણામો આવવા સાથે લોકો તેજીની આશા સેવી રહ્યા છે.
વર્તમાન રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાના રાષ્ટ્રપતિ કેન્યાટાના પુત્ર છે અને ફીક્યુ જાતિનું પ્રતિનિધિત્વ કરી રાજકારણમાં પ્રવેશ્યા છે. જ્યારે વડા પ્રધાન રહી ચૂકેલા ઓડિંગો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે નજીકનો સંબંધ ધરાવે છે. તેમણે કેન્યન ચૂંટણીમાં મોદીના પગલે વિકાસનું સૂત્ર આપ્યું હતું.

ભારતીયોની હિજરતના તથ્યહીન અહેવાલ

કેન્યામાં મતદાન શરૂ થયું તે અરસામાં લંડનના કેટલાક અંગ્રેજી અખબારોમાં મોટા મથાળા સાથે અહેવાલો પ્રકાશિત થયા હતા કે ચૂંટણી દરમિયાન વ્યાપક હિંસા ફાટી નીકળવાના ભયે સાધનસંપન્ન ભારતીયો, સવિશેષ ગુજરાતી પરિવારો જાનમાલની સુરક્ષા કાજે મોટી સંખ્યામાં યુકે આવી પહોંચ્યા છે. જોકે ‘ગુજરાત સમાચાર’ની તપાસમાં આ અહેવાલો તથ્યહીન જણાયા છે.
વિવિધ સંસ્થાઓ અને વિવિધ સમાજના અગ્રણીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે મોટાપાયે આવું કોઇ સ્થળાંતર થયાનું જણાતું નથી. હા, સ્થળાંતરના એકલદોકલ કિસ્સાથી એવું ધારી લેવાની જરૂર નથી મોટી સંખ્યામાં ભારતીયો અહીં આવી પહોંચ્યા છે. કેન્યામાં મોટી સંખ્યામાં વસતાં ગુજરાતીઓ સહિતના ભારતીય સમુદાયમાં ચૂંટણીના પગલે સર્જાયેલી અરાજક્તા-અશાંતિથી ચિંતા અવશ્ય છે, પણ કોઇને નુકસાન થયાનું જાણવા મળતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter