ભુજઃ કેન્યામાં વસતા ગુજરાતીઓ કચ્છની બેંકોમાં જમા પોતાના પૈસા મોટી સંખ્યામાં ઉપાડીને કેન્યામાં ઠાલવી રહ્યાં છે. અત્યાર સુધીમાં કચ્છની બેંકોમાંથી કરોડો રૂપિયા કાઢીને કેન્યા લઇ જઇ રહ્યા છે. કેન્યામાં વસતા ગુજરાતીઓને ડર છે કે, કેન્યાની બહાર જમા તેમની રકમ પર વ્યાજ અને પેનલ્ટી લાગશે. એપ્રિલથી જૂન ૨૦૧૮ની વચ્ચે જ અંદાજિત રૂ. ૪૩૦ કરોડ આ બેંકોમાંથી કાઢવામાં આવ્યા છે. કચ્છની બેંકોમાં એનઆરજી (નોન રેસિડન્ટ ગુજરાતી)ના જમા કરાયેલા પૈસા જૂનમાં ઘટીને રૂ. ૧૧૮૭૨ કરોડ રહી ગયા હતા. જે આ પહેલાની ત્રિમાસિકમાં રૂ. ૧૨૩૦૨ કરોડ હતા. આ આંકડા સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીએ જાહેર કર્યાં હતા. મોટાભાગની રકમ ભુજ અને માંડવી તાલુકામાંથી ઉપાડવામાં આવી છે.
૨૦૧૭થી અત્યાર સુધીમાં રૂ. ૧૦૦૦ કરોડનો ઉપાડ
• હાલના બેંક અધિકારીઓ અને ટેક્સ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર ૨૦૧૭થી અત્યાર સુધી અંદાજિત રૂ. ૧૦૦૦ કરોડથી વધુની રકમ કાઢવામાં આવી છે.
• મોટાભાગની રકમ ભુજ અને માંડવી તાલુકામાંથી કાઢવામાં આવી છે, અહીં સૌથી વધુ એવા એનઆરઆઇ ગુજરાતી છે જેઓ કેન્યામાં રહે છે.
કેન્યા સરકારનું ફરમાન
• કેન્યા સરકારે હાલમાં જ એક નિયમ જાહેર કર્યો છે જે પ્રમાણે તમામ કરદાતાઓને વિદેશોમાં જમા પોતાના ધનને જાહેર કરવું અનિવાર્ય છે.
• આ માટેનો નિશ્ચિત સમયગાળો અપાયો છે. આ સમયગાળા બાદ પણ આવક કે ધન જાહેર કરવામાં આવશે તો તેની ઉપર પેનલ્ટી અને ટેક્સ લાગશે.
• એસએલબીસી ગુજરાતના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (કચ્છ) સંજય સિન્હાએ જણાવ્યું કે, પહેલાં આ ડેડલાઇન ૩૦ જૂન, ૨૦૧૮ હતી જેને લંબાવીને હવે ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ કરી દેવામાં આવી છે.