ભુજઃ નારાણપરના વતની અને હાલ લંડનમાં વસતા ઉદ્યોગપતિ લક્ષ્મણભાઈ (લખુભાઈ)એ પિતા લાલજીબાપાની સ્મૃતિમાં તાજેતરમાં વતનમાં કથાનું આયોજન કર્યું હતું. કેન્સરમાં મૃત્યુ પામેલા પિતાની યાદમાં લખુભાઈએ કેન્સર પીડિતોની સારવાર માટે રૂ. ૫૧ લાખનું દાન આ સાથે કર્યું હતું.
નારાણપરના વતની અને લંડનમાં બર્નટોક બિલ્ડર્સ મર્ચન્ટ્સ નામે હેરોમાં બિલ્ડીંગ મટિરિયલનું જંગી વેરહાઉસ ધરાવતા લક્ષ્મણભાઈ લાલજી કેરાઈએ પૈતૃક ગામમાં પિતાની સ્મૃતિમાં ભાગવત સપ્તાહ અને નારાયણ યજ્ઞનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે લખુભાઈએ લાગણીભીના શબ્દોમાં કહ્યું હતું કે મારા પિતાની કેન્સરની બીમારી વખતે અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. અત્યંત જંગી ખર્ચ અમે તો સહન કરી ગયા, પણ મારા કચ્છી ભાઈભાંડુને ભુજમાં આવા દર્દોની સંપૂર્ણ સારવાર મળી રહે એ જ મારા પિતાને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. આ ભાવના સાથે તેમણે કચ્છી લેવા પટેલ સમાજની કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના કેન્સર વિભાગ માટે રૂ. ૫૧ લાખનું દાન જાહેર કર્યું હતું. આ પ્રસંગે વક્તા શાસ્ત્રી જયેશભાઈ ઉપાધ્યાયે સંગીતમય કથામૃતનું પાન કરાવતાં ‘પરદુ:ખે ઉપકાર કરે તે વૈષ્ણવજન...’ની ભાવના સાથે દાતા લખુભાઈની પિતા પ્રત્યેની લાગણીની અભિવ્યક્તિને પ્રેરક ગણાવી હતી. લખુભાઈ દ્વારા સમયાંતરે સેવાઓ થતી રહે છે.