ભુજ: મણિનગર ગાદી સંસ્થાનના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી કેરાના અને લંડન રહેતા હીરાભાઈ રામજીભાઈ મેપાણી (હીરાબાપા)એ ભુજની એલએનએમ લાયન્સ હોસ્પિટલને છ માસના સમયગાળામાં ત્રીજું ડાયાલિસીસ મશીન દાનમાં આપ્યું છે.
થોડા માસ પહેલાં જ આચાર્ય મહારાજ પુરુષોત્તમપ્રિયદાસજીએ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી હતી. સંસ્થાની સેવાથી પ્રભાવિત થઈ દાતાઓને દાનની પ્રેરણા આપી હતી. તે સમયે દાતા હીરાભાઈ મેપાણીએ તેમના પત્ની પ્રેમબહેન સાથે રૂ. ૭,૫૦,૦૦૦ કિંમતનું એક એવા બે ડાયાલિસીસ મશીન હોસ્પિટલને અર્પણ કર્યાં હતાં. આ દાતાએ છ માસમાં રૂ. ૨૨ લાખથી વધુ રકમ કિડનીના દર્દીઓ માટે ફાળવી છે. તેમણે તેમની મિલકતનું ટ્રસ્ટ બનાવ્યું છે અને લંડનમાં નાદુરસ્ત તબિયતના કારણે પથારીવશ છે.
તેમણે ટ્રસ્ટી અરવિંદભાઈ લાલજી હાલાઈના માધ્યમથી ત્રીજું મશીન ભેટ આપ્યું છે. અરવિંદભાઈ લંડનમાં કચ્છીઓનું એક મોટું ગ્રુપ ધરાવે છે અને સેવાકાર્યો કરે છે. અગાઉ હોસ્પિટલમાં ૮ વર્ષની બાળકીની થતી સારવારથી પ્રભાવિત થઈને અરવિંદભાઈ લંડનમાં કચ્છીઓને સદ્કાર્ય માટે પ્રેરતા રહ્યા છે.
૨૫મી ઓક્ટોબરે અરવિંદભાઈએ ડાયાલિસીસ મશીન અર્પણ કર્યું એ પ્રસંગે લીલાબહેન અરવિંદ હાલાઈ, જ્હાનવી હાલાઈ, પરીણી હાલાઈ, જેન્તી જાદવા વેકરિયા, પ્રેમજીભાઈ પરબતભાઈ રાબડિયા, ધનજીભાઈ અને જાદવાભાઈ મૂળજીભાઈ વેકરિયા, નરેન્દ્ર વાઘજિયાણી, હરિશ કેરાઈ, લીનાબહેન, વનિતાબહેન, મનસુખ વેકરિયા, કિશોરભાઈ પ્રેમજી રાબડિયા, વાસંતીબહેન, નાનજી રત્નાભાઈ વાઘજિયાણી, પ્રેમબાઈ વાઘજિયાણી, હરિશભાઈ વાઘજિયાણી, ધનબાઈ અને ગોપાલ હરશિયાણી પણ હાજર હતા. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ મહેતાએ દાતા પરિવાર અને ટ્રસ્ટનો આભાર માની હોસ્પિટલમાં ચાલતી સેવા પ્રવૃત્તિનો ચિતાર આપ્યો હતો.