મહેસાણા: મહેસાણામાં રવિવારે ‘મનકી બાત’ કાર્યક્રમ પછી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસના જીવાભાઈ પટેલે ભાજપમાં જોડાવાની ઇચ્છ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ૬ મહિના પહેલાં જીવાભાઈએ કડીમાં મારી ઓફિસે કહ્યું હતું કે ભાજપમાં જોડાવું છે, પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓ પાસે મોટી રકમ લેવાની બાકી છે. અત્યારે જોડાઉં તો વસૂલાત રહી જાય. એટલે રકમ વસૂલ કરી ભાજપમાં આવીશ.
૬ મહિના પહેલાં ભાજપમાં જોડાવાના હતા, તેમને કોંગ્રેસે ટિકિટ આપી દીધી છે. પટેલે ઉમેર્યું કે, જીવાભાઈએ દિલ્હીમાં અમિત શાહનો પણ સંપર્ક કર્યો હતો. આક્ષેપોનું ખંડન કરતાં કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલે મીડિયાને કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૪ની ચૂ઼ટણીમાં મારું ફોર્મ રદ કરાવવા પણ આવા આક્ષેપો થયા હતા, પણ હું કોંગ્રેસ તરફથી લડી રહ્યો છું અને કોણ સાચું? કોણ ખોટું? તે જનતા નક્કી કરશે.