કોઈપણ સ્વરૂપે હરિનામ સ્મરણ જીવને તારે

Wednesday 25th April 2018 08:10 EDT
 

કેરાઃ ભુજ સ્વામીનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતની આજ્ઞા અને આશીર્વાદથી કચ્છ સત્સંગના આરાધ્ય નરનારાયણ ભગવાનનો ૧૯૫મો વાર્ષિક પાટોત્સવ તાજેતરમાં ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ઘનશ્યામ જન્મોત્સવ, નીલકંઠવર્ણી વન-વિચરણ દર્શન, ભુજ આગમન મહોત્સવ યોજાયા હતા.
આ પાટોત્સવમાં વાંચન, લેખન, શ્રવણ, કથન કે ગાયન પાંચેય સ્વરૂપે હરિનામ સ્મરણ સરખે ન્યાયે જીવને તારે છે. તેનું મહત્ત્વ સમજાવાયું હતું. પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ પારાયણના સૂત્રો સમજાવતાં વક્તાઓએ સંગીતમય શૈલીમાં નામસ્મરણ મહિમા ગાયો હતો. વચનામૃત ગ્રંથ આવૃત્તિ વિમોચન, ઉત્સવ મહિલા પુસ્તિકા અર્પણ અને ફૂલ દોલોત્સવ પ્રસંગ પાટોત્સવમાં વણાયા હતા અને નારાયણપ્રિયદાસજીએ ફૂલ દોલોત્સવનો પ્રસંગને આ પ્રસંગે વર્ણવ્યો હતો. વડતાલધામમાં શ્રીહરિ હીંચે આંબાની ડાળ કીર્તનની રમઝટ ત્યારે બોલી હતી.
વચનામૃત ગ્રંથના દ્વિશતાબ્દી પ્રસંગે ૨૦૦ યજમાન સહ ઊજવણીની જાહેરાત કરાઈ હતી. વક્ત શાસ્ત્રી અક્ષરપ્રકાશદાસજીએ નંદ સંતો મંડિત જ્ઞાનવૈવિધ્યને સમજાવ્યું હતું. તેમણે આર. આર. પટેલ, કે. કે. જેસાણી તેમજ યજમાન શાંતિલાલભાઈ ભંડેરી પરિવારના સમર્પણને વખાણ્યું હતું.
ઉત્સવ અંતર્ગત યજમાન પરિવાર તરફથી સેવાદાન પણ જાહેર કરાયાં હતાં. યુ.કે., આફ્રિકા, સિસલ્સ, ઓસ્ટ્રેલિયા સહિતના કેન્દ્રોમાંથી અગ્રણી હરિભક્તોએ મંદિરોના પ્રમુખે, કમિટી સભ્યોએ ઉત્સવમાં ભાગ લીધો હતો.
ભુજ મંદિરના કોઠારી રામજીભાઈ દેવજી વેકરિયા, ઉપકોઠારી મૂરજીભાઈ કરશન સિયાણી, ટ્રસ્ટી શશિકાંતભાઈ ઠક્કર, રાજુભાઈ દવે, જાદવજીભાઈ ગોરસિયા સહિતના અન્ય ટ્રસ્ટીઓ, શિક્ષણ ટ્રસ્ટ પ્રમુખ રત્નાભાઈ હીરાણી, પ્રવીણભાઈ પિંડોરિયા, લક્ષ્મણભાઈ સિયાણી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter