ભુજ: એક સમયે એશિયાના શ્રેષ્ઠ ઘાસિયા મેદાન તરીકે પ્રખ્યાત ભુજ તાલુકાનો બન્ની પ્રદેશ છેલ્લા દાયકાથી રણોત્સવને કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે. મુખ્યત્વે માલધારીઓની વસ્તી ધરાવતા આ વિશાળ ભાતીગળ પંથક માટે આશીર્વાદરૂપ બાબત એ છે કે વિશ્વભરમાં કોરોનાએ ભરડો લીધો છે, પણ અત્યાર સુધી અહીં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી! વિસ્તારની દૃષ્ટિએ ગાંધીનગર અને ડાંગ જિલ્લાથી વધુ ક્ષેત્રફળ ધરાવતો આ રણ વિસ્તાર રણોત્સવ પછી વધુ વિખ્યાત બન્યો છે જોકે કોવિડ-૧૯ની સ્થિતિમાં રણોત્સવ માટે સૌ દ્વિધામાં છે.
આગેવાનોનું શું કહેવું છે?
બન્નીના અગ્રણી મુસાભાઇ જણાવે છે કે, આ દુર્ગમ પ્રદેશ છે માટે જ કોરોનાથી સુરક્ષિત છે. અહીં અંદાજે ચાલીસ હજારની વસ્તી છે, પરંતુ બધા જ લોકો પરિવાર સાથે પથરાયેલા છે. સરકારી ગાઈડ લાઈન મુજબ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવું પડે, અમારે
તો વર્ષોથી આ સામાજિક માળખું છે.
૪૮ ગામોનો સમૂહ - બન્ની
બન્ની પ્રદેશ ૨૪૮૯ ચો.મીમાં ફેલાયેલો છે. ઉગમણી બન્ની એટલે બેરડો ગામથી મુખ્ય બન્ની અને આથમણી બન્ની એટલે સરહદી હાજીપીર. ૪૮ ગામોના આ સમૂહને બન્ની કહેવાય છે. અહીં અનેક વાંઢ આવેલી છે જેમાં વિચરતી વસ્તી રહે છે.
પચ્છમમાં છ માસ બાદ પહેલો કેસ
બન્નીને અડીને જ આવેલા પચ્છમ વિસ્તાર જેમાં ખાવડા, દીનારા, ઝુણા જેવા ગામો છે ત્યાં પણ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી એકેય કેસ નહોતો. ૯મી સપ્ટેમ્બરે અહીં પ્રથમ કેસ મિયાણા ગામમાં નોંધાયો છે. તાલુકા હેલ્થ ઓફિસર મનોજ પરમારે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સંપૂર્ણ સ્ક્રિનિંગ કરાયું છે. ૯મીએ એક કંપનીમાં ટેસ્ટ કરાતા પ્રથમ કેસ નોંધાયો છે.
ધોરડો સફેદ રણને વિશ્વ સ્તરે પ્રસિદ્ધિ આપનાર ધોરડોના સરપંચ મિંયાહુશેન જણાવે છે કે, સરકારે રણોત્સવ આ વર્ષે મુલતવી રાખ્યો છે અને એ યોગ્ય નિર્ણય છે. જો લોકો આવે તો કોરોના સંક્રમણ પ્રવેશી શકે. તેથી રણોત્સવ ન યોજાય તે જ સારું છે. ખાનગી એજન્સી દ્વારા તંબુ નગરી ઊભી થાય તો પ્રવાસીઓ અહીં આવે જેનાથી ભય વધે. તેમણે જણાવ્યું કે, તેમના રિસોર્ટ આ વખતે ખોલવામાં જ નહીં આવે. પુષ્કળ વરસાદને કારણે માલધારીઓ માટે આ વર્ષ ખૂબ સરસ પણ છે. ચિંતાનું કોઈ કારણ નથી.
કોરોના કેમ ન પહોંચ્યો?
- માલધારીઓના પરિવારજનો શહેરથી અળગા જ રહે છે.
- મહિલાઓ મર્યાદાને કારણે બહાર નથી નીકળતી.
- માલધારી પ્રજા ખડતલ હોવાથી કુદરતી રીતે જ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.