ભુજ: એશિયાની સુપ્રસિદ્ધ સુરખાબ સિટી કચ્છના મોટા રણ વિસ્તારમાં આવેલી છે. ચાલુ વર્ષે અહીં સુરખાબનું સફળ પ્રજનન થયું છે અને ૨ લાખ જેટલાં સુરખાબનાં બચ્ચાં ઉછરી રહ્યાં છે. ચાલુ વર્ષે કોરોના મહામારી અને ખાસ કરીને બર્ડફલૂ વચ્ચે પણ સુરખાબે અહીં સફળ પ્રજનન કર્યું છે. મોટા રણમાં અને આંતરરાષ્ટ્રીય બોર્ડર વિસ્તારમાં આવેલા અંડાબેટથી ઓળખાતી ફ્લેમિંગો સિટીમાં ફૂલગુલાબી સુરખાબ કલશોર મચાવી પાછા પરત ચાલ્યા જશે.
કચ્છ વન વિભાગે જણાવ્યું છે કે, સુરખાબનગરીમાં સારા વરસાદના કારણે સારું બ્રિડિંગ થયું છે. અંદાજિત ૩.૫ લાખ જેટલા સુરખાબ અહીં નોંધાયા છે અને ૨ લાખ જેટલા બચ્ચાંઓ અંડાબેટ માં વન વિભાગની ટીમે નોંધ્યા છે. જિલ્લામાં ચાલુ વર્ષે કુલ ૭.૫ લાખ જેટલા સુરખાબ નોંધાયા હતા. નોંધનીય બાબત છે કે, છેલ્લે ૨૦૧૦માં મોટા પ્રમાણમાં સુરખાબ નગરીની તસવીર સામે આવી હતી, ૨૦૧૨માં વન્ય અધિકારીઓ અહીં પહોંચ્યા હતા અને ત્યારબાદ છેલ્લા ૮ વર્ષમાં વન વિભાગના સ્ટાફ સહિત કોઈ પણ વિષમ સ્થિતિના કારણે અહીં પહોંચી શક્યા નહોતા.