ભુજઃ ૧૨મી મેએ ક્રીક વિસ્તારમાંથી સીમાસુરક્ષા દળના જવાનોએ વધુ એક પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી. આ બોટમાં સવાર ચાર પાકિસ્તાનીઓ બોટ છોડી તેમના દેશની હદમાં ભાગી છૂટ્યા હતા. ૧૦૮ બટાલિયનના જવાનોએ આ પાકિસ્તાની બોટને ભારતીય હદમાં જોઈ હતી. જવાનોએ આ બોટને પકડવા તેની દિશામાં ગતિ પકડતાં પાકિસ્તાની બોટમાં સવાર ચાર જણા ભાગીને પાકિસ્તાનની હદમાં પહોંચી ગયા હતા. કબજે કરાયેલી પાકિસ્તાની બોટમાં અઢીસો કિલો માછલીનો જથ્થો ઉપરાંત રસોઈનો સામાન, ધાબળો, કુહાડી વગેરે મળી આવ્યા છે. જોકે અન્ય કોેઈ વાંધાજનક ચીજવસ્તુ નહોતી તેથી સેનાએ રાહત અનુભવી હતી.
નળક્રીકમાં બોટમાં આવેલા છ પાકિસ્તાનીને ઝડપી લેવાયા
ઉલ્લેખનીય છે કે ૧૧મીએ બપોરે સરક્રીકની પાસે આવેલી નળક્રીકમાંથી એક પાક. બોટને ઝડપી લેવાની દિલધડક કાર્યવાહી દરમિયાન છ પાકિસ્તાનીને ઝડપી લેવામાં આવ્યા હતા. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) બોટની પાણીની છાલકો નાનકડી પાક બોટ ઉપર પડતાં તે તૂટી ગઈ હતી અને તે દરમિયાન અંદર બેઠેલા છએ છ પાકિસ્તાની પણ ક્રીકનાં પાણીમાં પડી ગયા હતા અને ભારતીય જવાનોએ તેમને ઝડપી લીધા હતા. ૧૧મીએ બપોરે ઇન્ડિયન એરફોર્સનાં અનમેન એરિયલ વિહિલકલ (યુએવી)માં સરક્રીકની આસપાસ વિસ્તારમાં અસામાન્ય હલચલ જોવા મળી હતી અને ત્યારબાદ એક સ્પેશયલ સર્ચ ઓપરેશન અમલમાં મૂકવામાં આવ્યું હતું અને તેમાં આ પાકિસ્તાની બોટને પકડી પાડવામાં આવી હતી. બોટમાં સવાર છ ઘૂસખોરો પાસેથી તેમનાં ઓળખપત્ર બાબતે પૂછપરછ કરાઈ રહી છે. બોટ પકડાતાં છએ પાકિસ્તાનમાં ભાગી જવાની પેરવીમાં હતા. ત્યાં જ બીએસએફની પાંચ ફાસ્ટ એટેકે ક્રાફ્ટ બોટે તેમને પાણીમાં ચારેય બાજુથી ઘેરી લીધા હતા. પાંચ ફાસ્ટ એટેક ક્રાફ્ટ બોટનાં ઘસમસતા પાણી નાનકડી પાક બોટ ઉપર પડતાં તે બોટ તૂટી ગઈ હતી. અને છએ પાણીમાં ખાબકી ગયા ત્યાં સીમા સુરક્ષા જવાનોએ તેમને ઝડપી લીધા હતા.