શહેરના યુવાન વેપારી સચિન ઉપર ત્રીજી ઓગસ્ટે ફાયરિંગ થયું હતું જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ અગાઉ તેમની પાસેથી પાણીપતના માણસોએ રૂ. ૧ કરોડની ખંડણી માગી હતી અને તેને વારંવાર મારી નાખવાની ધમકી પણ મળતી હતી. સચિન પાસેથી ૨૦૧૫ના પહેલા મહિનામાં રૂ. ૧ કરોડની ખંડણી માગવામાં આવી હતી જેમાં આશિષ પાંડે, અજય, અફરોઝ, તેનો ભાઈ અલી અને અન્ય બે અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ અગાઉ સચિનને વર્ષ ૨૦૧૦માં પણ અજય નામના માણસે ધમકી આપી હતી. રૂ. ૧ કરોડની ખંડણીના પ્રકરણમાં અજય પકડાયા બાદ તેણે પાલારા જેલમાંથી પણ યુવાનને ફોન ઉપર ધમકી આપી હતી. એ પછી રફીક બાવા નામના માણસો સહિત અમુક લોકોની ધરપકડ પણ થઈ હતી. ખંડણી ઉઘરાવવી અને ધાકધમકી કરતી આ ટોળીના પ્રકરણમાં જે તે સમયે પોલીસ મૂળ સુધી પહોંચી શકી નહોતી. એ પછી તાજેતરમાં સચિનની હત્યા થવાથી પોલીસ કેસની તપાસ કરી રહી છે.
• નેકમાં કચ્છના ડો. મનીષ પંડ્યાની પસંદગીઃ દેશભરની કોલેજોને એક્રેડિટેશન ગ્રેડ આપી ગુણવત્તાયુક્ત બનાવવાના હેતુથી કાર્યરત સંસ્થા નેશનલ એસોસિએશન એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (નેક)ના મૂલ્યાંકનકાર તરીકે આદિપુરની તોલાણી કોમર્સ, કોલેજના આચાર્ય ડો. મનીષ પંડ્યા પસંદગી પામ્યા છે. ડો. મનીષ પંડ્યા નેકની ટીમમાં પસંદગી પામનારા કચ્છના સૌપ્રથમ પ્રાધ્યાપક છે.
• શ્રવણ કાવડિયાથી હાઈવે સુધીના માર્ગનું ખાતમુહૂર્તઃ ભચાઉના રામવાડી વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા પવિત્ર આશ્રમની જગ્યા શ્રવણ કાવડિયા સ્થાનકથી રાષ્ટ્રીય ઘોરીમાર્ગ સુધીના રૂ. ૨૮ લાખના ખર્ચે તૈયાર થનારા ૭૦૦ મીટરના માર્ગનું ખાતમુહૂર્ત પહેલી ઓગષ્ટે કરવામાં આવ્યું હતું.
• રાપરમાં રૂ. ૧૦ લાખના ખર્ચે બંધાયેલું દૂધઘર લોકાર્પિતઃ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરી કચ્છમાં સૌપ્રથમ રૂ. ૧૦ લાખના ખર્ચે રત્નેશ્વર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. રાપરનું દૂધઘર તૈયાર થતાં તેનું તાજેતરમાં લોકાર્પણ થયું હતું.