મોટી વિરાણીઃ કચ્છમાં વરસાદ થાય તો કોટીબા, ગાંગમી, ઘોઘા, લુસ્કા, લિયાર, બોર જેવા ફળો સિઝન પ્રમાણે જોવા મળે, પણ વરસાદ ન થાય તો કેટલાક ચોક્કસ ફળ કચ્છમાં દેખાય. કચ્છમાં બે પ્રકારની જાર થાય, એક મીઠી અને બીજી ખારી. આ ફળનાં વૃક્ષ ઘટાદાર હોય. મીઠી જારના પાંદડા પાતળા અને લાંબા જ્યારે ખારી જારના પાંદડા તેના કરતાં કદમાં નાના પણ પહોળાઈ થોડી વધુ હોય. દિવાળી પછી ખારી જારમાં ફાલ આવે. હાલમાં ખારી જારના વૃક્ષો પર લાલ, સફેદ, પીળા રંગના પીલુ લચી રહ્યાં છે. આ પીલુની લૂમને મક કહેવામાં આવે છે જેને પશુઓ આરોગે છે. અત્યારે પીલના વૃક્ષથી વાડીઓના શેઢા સુશોભિત બની ગયા છે.
ઓછા વરસાદને કારણે અને યોગ્ય રીતે પાણી ન મળવાથી કચ્છમાં દુકાળની પરિસ્થિતિ છે ત્યારે દુષ્કાળમાંથી પસાર થઈ રહેલા કચ્છમાં ખારી જાર પર અસર પડી છે. નાની બન્નીના જતહાજી સુમારે કહ્યું હતું કે, નાની બન્ની વિસ્તારમાં આવી ખારી જારના વૃક્ષો છે, પણ વરસાદ ન પડતાં આ વૃક્ષોને પાણી ન મળ્યું અને ગાંડા બાવળ પણ આ જારના વૃક્ષનું પોષણ વધારે સોસી લે છે. મતલબ સારો વરસાદ થાય તો પાણીના હિસાબે વન વગડામાં ઊભેલા ખારી જારના આ વૃક્ષમાં પીલા (મક)ની લૂમો લચે. છતાં પીલુ આવ્યાં છે. જોકે તેનું પ્રમાણ ખૂબ જ નહીંવત કહી શકાય તેવું છે. આ વખતે દુષ્કાળ આવા વૃક્ષોની સીમાડે શોભામાં બાધારૂપ થયો છે.