મુંદરાઃ ખારેકની ખેતી માટે એક સમયે કચ્છનાં ધ્રબ અને ઝરપરા કેન્દ્ર હતા. એ પછી મુંદરા તાલુકાના મોટાભાગના ગામોમાં ખારેકનું વાવેતર થતું ત્યારબાદ મુખ્યત્વે ભુજ સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં ખારેકનું સેંકડો એકરમાં વાવેતર થયું. કચ્છી ખારેકનો પાક છેક રાજ્ય બહાર તામિલનાડુમાં પણ વખણાયો હતો અને કચ્છમાંથી ખારેકની કલમોનું તામિલનાડુમાં વાવેતર કરીને તામિલનાડુમાં અંદાજે બે હજાર એકરમાં ખારેકનું વાવેતર કરાયું છે.
કચ્છી લાલ-પીળી, કેસરી ખારેકનું વાર્ષિક હજારો ટન ઉત્પાદન તામિલનાડુના કિસાનો લેતા થઇ ગયા છે. તામિલનાડુથી મુંદરા આવેલા એસ. નિઝામુદ્દીન નામના પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું હતું કે, ધરમપુરી જિલ્લાના અરિયાકુલમ (ક્રિષ્નાપુરમ)માં તેમણે પોતાની ૧૦ એકર જમીનમાંથી આઠ એકર જમીનમાં કચ્છી ખારેકનું વાવેતર કર્યું છે. તેમની પાસેથી પ્રેરણા લઈને અન્ય ખેડૂતો પણ હાલમાં ખારેકની ખેતી તરફ વળ્યા છે.
નિઝામુદ્દીનના જણાવ્યા અનુસાર રૂ. ૩૦૦૦માં મળતા ટિશ્યૂ કલ્ચરના રોપાની કિંમત અત્યારે ઘટતાં તામિલનાડુમાં ખારેકનું મોટા પાયે નવું વાવેતર પણ કરવામાં આવી રહ્યું છે. નોંધપાત્ર વિગત એ છે કે વર્ષોથી કચ્છમાંથી આવી ખારેકની ખરીદી કરતા તામિલનાડુના ખેડૂતોએ આગવી કોઠાસૂઝથી ખારેકનું વાવેતર સ્થાનિક કરાય તો રોપાની ખરીદીનો મોટો ખર્ચ બચે અને નફાના ગાળાને વધારી શકાય તેવી ગણતરીથી ખારેકના રોપા પોતાના ખેતરમાં ઊગાડવા શરૂ કર્યા છે.
તામિલનાડુના પાણી, જમીન અને આબોહવા ખારેકના પાકને અનુકૂળ છે અને દિવસોદિવસ બેસ્ટ ક્વોલિટીના પીલા દ્વારા અહીં ખારેકનું વાવેતર વધતું જાય છે. તામિલનાડુમાં ખારેકનું માર્કેટ વિશાળ છે. સ્થાનિકો દ્વારા થતું ખારેકનું ઉત્પાદન તો ત્યાં વેચાઇ જ જાય છે. આ ઉપરાંત ત્યાંનાં ફળ બજારના એજન્ટો કચ્છમાંથી દર વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં ખારેક ખરીદે છે અને જાતવાન ખારેકના બગીચા તામિલનાડુના ખેડૂતો કચ્છમાં ભાડે પણ રાખે છે.