ભચાઉ: ખારોઇ ગામે નવા પ્લોટ પર વિશાળ જગ્યામાં રૂ. બે કરોડના ખર્ચે બંધાયેલા સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ૩૧ મેથી ૨ જૂન દરમ્યાન યોજાશે. મહોત્સવમાં દેશવિદેશમાંથી સ્વામી, સંતો હરિભક્તો ઉપસ્થિત રહેશે.
નરનારાયણદેવ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થશે. સ્વામીનારાયણ મંદિર (નરનારાયણદેવ) હસ્તકના આ મંદિરનું છ માસમાં પૂરઝડપે બાંધકામ પૂર્ણ થયું છે. ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, પ્રેમપ્રકાશદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત આદિ સંતો-વડીલોનાં માર્ગદર્શન અને હાજરીમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યની પૂરી તૈયારી માટે ભુજ-અંજારના સંતોની હાજરીમાં, ગામના વિવિધ કોમના અગ્રણીઓની બેઠક તાજેતરમાં યોજાયા બાદ મહોત્સવ યોજાઈ રહ્યો છે.
પ્રેમપ્રકાશદાસજીએ કહ્યું કે, આજથી સવાસોથી વધુ વર્ષ પહેલાં ભુજ મંદિરના મહંત અક્ષરજીવનદાસજી સ્વામીએ વાગડના મંદિરો પૈકી ખારોઇનું મંદિર પણ બંધાવ્યું હતું, ત્યાર પછી જિર્ણોદ્ધાર પણ કરાયો હતો, પરંતુ ભૂકંપમાં મંદિરને નુક્સાન થતાં તે ત્રીજી વખત બંધાયું હતું.
એ પછી હવે મંદિર સંપૂર્ણપણે નિર્માણ પામ્યું છે ત્યારે ચોવીસીના પટેલ હરિભક્તો, મુંબઇ વસતા ખારોઇ-વાગડના હરિભક્તો પણ આ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાશે.