ભુજ: અદાણી એનર્જીએ કચ્છના ખાવડા ખાતે સ્થાપેલા વિશ્વના સૌથી મોટા 30,000 મેગાવોટ ક્ષમતાના રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાંથી પવન ઉર્જાનું ઉત્પાદન શરૂ કર્યું છે. અદાણી જૂથની યશકલગીમાં વધુ એક મોરપીછું ઉમેરાતા કંપનીએ સૌપ્રથમ 250 મેગાવોટની પવન ઉર્જા ક્ષમતા કાર્યાન્વિત કરી છે. આ સીમાચિહ્ન પ્રાપ્ત કરવા સાથે ખાવડા પ્લાન્ટમાં 2,250 મેગાવોટની સંચિત ક્ષમતા કાર્યરત કરવામાં આવી છે. પરિણામે ભારતમાં 10,934 મેગાવોટના સૌથી મોટા ઓપરેશનલ પોર્ટફોલિયો સાથે અદાણી એનર્જી લિમિટેડ (એજીઈએલ)ના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત બનાવ્યું છે.
પ્રોજેક્ટની મુલાકાતે અમેરિકન રાજદૂત ગાર્સેટી
તાજેતરમાં અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ પણ અદાણી જૂથના એશિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ એક સંકેત છે કે ગ્રૂપ હવે હિન્ડેનબર્ગના આરોપોના વિવાદથી આગળ વધી ગયું છે અને તેને સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. ગાર્સેટીએ ખાવડાની મુલાકાત લીધા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર તેની જાણકારી આપી હતી. ગાર્સેટીએ લખ્યું હતું કે, ગુજરાતના ખાવડામાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ જોયા પછી મને પ્રેરણા મળી. મેં ભારતના શૂન્ય કાર્બન ઉત્સર્જન લક્ષ્યાંકને આગળ ધપાવનારા અદાણી ગ્રીનના અનન્ય પ્રોજેક્ટ્સ અંગે માહિતી મેળવી છે. પર્યાવરણને અનુકૂળ વિકાસ માટે ગ્રીન એનર્જી મહત્ત્વપૂર્ણ છે અને અમારી દ્વિપક્ષીય ભાગીદારી પ્રદેશ અને વિશ્વ માટે સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય માટે ઉકેલોને આકાર આપવા માટે મહત્ત્વપૂર્ણ છે. અમેરિકન રાજદૂતની સાથે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ડાયરેક્ટર સાગર અદાણી ઉપસ્થિત રહ્યા હતા.