ભુજઃ દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે, પરંતુ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની રહી છે. ખેડૂતોની શંકાના સમાધાન માટે સરકાર ૨૪ કલાક તૈયાર છે. આમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંદોલન પર ટોણો માર્યો હતો કે, ડેરીવાળા કોન્ટ્રાક્ટ કરે છે તો શું તેઓ તમારી ગાય-ભેંસ લઈ જાય છે?!
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કચ્છની છ કલાકની ઉડતી મુલાકાતે આવ્યા હતા. તેઓ ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચ્યા હતા, જ્યાં ટેન્ટ સિટીમાં ઊભા કરાયેલા ડોમમાંથી ગુંદિયાળીમાં આકાર લેનારા ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક, સરહદ ડેરી દ્વારા અંજાર-ભચાઉ વચ્ચે સાકાર થનારા બે લાખ લિટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું.
આ ઉપરાંત વડા પ્રધાને કચ્છના પ્રગતિશીલ ખેડૂતો અને સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. ભુજમાં બનતા મેમોરિયલ પાર્કની મુખ્ય પ્રધાન તેમજ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.
વડા પ્રધાને આ અવસરે પ્રાસંગિક સંબોધનમાં કૃષિ કાયદામાં સુધારાના વિરોધમાં ચાલી રહેલા કિસાન આંદોલનનો મુદ્દો પણ વણી લીધો હતો. પાટનગરમાં છેલ્લા ૨૦ દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલન અંગે તેમણે કહ્યું હતું કે આજે જે લોકો વિપક્ષમાં બેસીને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે તેઓ પણ પોતાના સમયમાં કૃષિ સુધારાનું સમર્થન કરતા હતા. ખેડૂતોની શંકાના સમાધાન માટે સરકાર ચોવીસેય કલાક તૈયાર છે. ખેડૂતોનાં હિતમાં પહેલા દિવસથી અમારી સરકારની અગત્યની પ્રાથમિકતાઓ પૈકીની એક રહી છે. ખેતી પર ખેડૂતોનો ખર્ચ ઓછો થાય અને તેમને નવા નવા વિકલ્પ મળે, તેમની આવક વધે, ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થાય વગેરે માટે અમે સતત કામ કર્યા છે. દેશ પૂછી રહ્યો છે કે અનાજ અને દાળ ઉત્પન્ન કરનારા નાના ખેડૂતોને પાક વેચવાની આઝાદી કેમ ન મળવી જોઈએ? કૃષિ સુધારાની માગ વર્ષોથી થઈ રહી હતી. અનેક ખેડૂત સંગઠનો પણ માગ કરતા હતા કે પાક વેચવાના વિકલ્પ આપો.
વડા પ્રધાન મોદીએ કચ્છ પ્રવાસના પ્રારંભ પૂર્વે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે કચ્છે વિકાસની હરણફાળ ભરી છે. ખાસ કરીને કૃષિક્ષેત્રે આ જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે. ૧૫ ડિસેમ્બરે હું વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરીશ, જેનાથી કચ્છને જે-તે પ્રકલ્પો સંપન્ન થતાં અનેક લાભો મળશે.
કચ્છી ભાષામાં સંબોધનની શરૂઆત કર્યા બાદ કચ્છ સાથેનાં પોતાનાં સંભારણાં યાદ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભૂકંપ સમયે ઈશ્વરે મને કચ્છના લોકોની સેવા કરવાનો અવસર આપ્યો હતો.
સરદારનું સ્મરણ
નરેન્દ્ર મોદીએ ધોરડો ખાતે ગુજરાતના સપૂત અને સ્વ. નાયબ વડા પ્રધાન સરદાર પટેલને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે ગુજરાત અને દેશના મહાન સપૂત સરદાર પટેલની પુણ્યતિથિ પણ છે. કેવડિયામાં તેમની સૌથી ઊંચી પ્રતિમા આપણને દિવસ-રાત દેશ માટે કામ કરવાની પ્રેરણા આપે છે, સરદાર સાહેબનું સ્મરણ કરીને આપણે આ જ રીતે દેશ અને ગુજરાતનું ગૌરવ વધારવાનું છે.
નવી ઊર્જાનો સંચાર
આજે કચ્છે ન્યૂ એજ ટેક્નોલોજી અને ન્યૂ એજ ઈકોનોમી એમ બંને દિશામાં બહુ મોટાં પગલાં ભર્યાં છે. જેવડો મોટો સિંગાપોર દેશ છે, બહેરીન દેશ છે એટલા વિસ્તારમાં કચ્છનો આ રિન્યુએબલ એનર્જી પાર્ક થવાનો છે. આજે કચ્છની શાન ખૂબ જ ઝડપથી વધી રહી છે, આજે કચ્છ દેશના ઝડપથી વિકસિત થતાં ક્ષેત્રોમાંથી એક અગત્યનું ક્ષેત્ર બની ગયું છે. આજે કચ્છમાં નવી ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે, આપણી પાસે કચ્છમાં દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિએન્યુએબલ પાર્ક છે. એક સમયે કહેવાતું કે કચ્છ એટલું દૂર છે કે વિકાસનું નામોનિશાન નથી, કનેક્ટિવિટી નથી, પરંતુ આજે સ્થિતિ એવી નથી, હવે લોકો થોડો સમય કચ્છમાં કામ કરવા માટે પણ લાગવગ લગાવે છે.
વિનાશક ભૂકંપને પણ યાદ કર્યો
વડા પ્રધાને વિનાશક ભૂકંપને યાદ કરતા કહ્યું હતું કે ભૂકંપે ભલે કચ્છના લોકોનાં ઘરો પાડી દીધાં હોય, પરંતુ આટલો મોટો ભૂકંપ પણ અહીંના લોકોના મનોબળને તોડી શક્યો ન હતો. કચ્છના લોકો ફરી ઊભા થયા. આજે જુઓ, આ ક્ષેત્રમાં તેમને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા છે. આજે કચ્છની ઓળખ બદલાઈ ગઈ છે. કચ્છે આખા દેશને બતાવ્યું છે કે પોતાનાં સંસાધનો પર, પોતાના સામર્થ્ય પર વિશ્વાસ કરવાથી કેવી રીતે આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકાય છે.
રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારત ચોથો સૌથી મોટો દેશ આ પ્રોજેક્ટ ખેડૂતો અને ઉદ્યોગ એમ બંનેને ફાયદો કરાવશે અને પ્રદૂષણ ઘટાડીને પર્યાવરણને બચાવવામાં મદદરૂપ થશે. રિન્યુએબલ એનર્જી પાર્કમાં જે વીજળી ઉત્પન્ન થશે
ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડ્યંત્ર ચાલે છે
એનાથી પ્રતિ વર્ષ પાંચ કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડ એમિશન રોકવામાં મદદ કરશે.એક સમયે ગુજરાતમાં લોકોની પહેલાં એવી માગણી હતી કે જમતી વખતે વીજળી મળી જાય તો સારું. આજે ગુજરાત દેશનાં એ રાજ્યમાંનું એક છે જ્યાં શહેર હોય કે ગામડું, આજે ૨૪ કલાક વીજળી અપાય છે. આ પરિવર્તન ગુજરાતના લોકોના અથાક પ્રયત્નથી સંભવ થયું છે.
છેલ્લાં છ વર્ષમાં ભારત દુનિયાનો ચોથો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરતો દેશ છે. આપણી સોલર એનર્જી કેપેસિટી ૧૬ ગણી વધી છે.
ગુજરાતના ૮૦ ટકા ઘરોમાં પાઇપલાઇનથી પાણી પાણી પર ગુજરાતમાં જે કામ થઈ રહ્યું છે એ આજે દેશ માટે દિશાસૂચક બન્યું છે.
માત્ર સવા વર્ષમાં જ જલજીવન મિશન અંતર્ગત ત્રણ કરોડ પરિવારને પાણીનાં કનેક્શન અપાયાં છે. ગુજરાતમાં ૮૦ ટકા ઘરમાં પાઈપલાઈનથી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાય છે. મને વિશ્વાસ છે કે સમુદ્રકિનારે વસેલાં અન્ય રાજ્યોને પણ માંડવીનો આ પ્લાન્ટ નવી પ્રેરણા પૂરી પાડશે.
ગુજરાતમાં ખેતી અને આધુનિકતાનો સમન્વય
આજે ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને માછીમારો પહેલાંથી વધારે સારી સ્થિતિમાં છે, તેનું એક કારણે અહીં ખેતીને પરંપરાને આધુનિકતા સાથે જોડવામાં આવી છે. કચ્છ સહિત ગુજરાતના ખેડૂતો વધારે ડિમાન્ડ અને વધારે કિંમતવાળા પાકોની ખેતી તરફ વળ્યા છે અને આજે તેમાં આગળ છે. આજે કચ્છનાં ઉત્પાદનો વિદેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આમ કહીને કહ્યું હતું, ‘ભાઈઓ - બહેનો, હું તમારી પાસેથી જાણવા માગું છું કે શું કોઈ ડેરીવાળો તમારી પાસેથી દૂધ લેવાનો કોન્ટ્રાક્ટ કરે છે તો શું તમારી ગાય-ભેંસ લઈ જાય છે?’
શીખ ખેડૂતો મોદીને મળવા પહોંચ્યા
દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન વચ્ચે લખપત નરા ખાતે વસતા શીખ ખેડૂતો વડાપ્રધાનને મળવા ધોરડો સભાસ્થળે પહોંચ્યા હતા. લખપતના શીખ ખેડૂતો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત કરી જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ જોડાયા હતા.
ધોરડો હેલિપેડ પર સ્વાગત
ભુજ એરફોર્સ ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, એર કોમોડોર મલુક સિંઘ (વીએસએમ), રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા સહિતના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. તેઓ ભુજ એરફોર્સ ખાતે આવીને ત્યાંથી હેલિકોપ્ટરમાં ધોરડો પહોંચ્યા હતા.
ભુજ એરફોર્સથી ધોરડો હેલિપેડ ખાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતનાએ સ્વાગત કર્યું હતું.
સફેદ રણમાં સૂર્યાસ્ત નિહાળ્યો
વડા પ્રધાન અગાઉ ૧૪ ડિસેમ્બરના રોજ આવવાના હતા અને રાત્રિરોકાણ ધોરડો ખાતે કરવાના હતા, પરંતુ તેમના કચ્છ પ્રવાસમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાતાં તેઓ થોડાક કલાક જ કચ્છ રોકાયા હતા. ધોરડોના સફેદ રણના સૂર્યાસ્તનો નજરો નિહાળ્યા બાદ સાંજે ૭.૩૦ વાગે દિલ્હી જવા રવાના થશે.