અમદાવાદઃ ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ‘એન્ટી રોમિયો સ્ક્વોડ’ રચી છે ત્યારથી ગુજરાતમાં ‘લવ-જેહાદ’ ચર્ચામાં છે. કચ્છ પોલીસે ૧ વર્ષમાં લવ-જેહાદના ૬ કેસ શોધ્યા છે. અત્યાર સુધીમાં ૫૦૦ રોમિયો પાસે માફીપત્ર પણ લખાવ્યાં છે. કચ્છમાં ૪ હિંદુ યુવતી મુસ્લિમ યુવક સાથે જ્યારે ૨ હિંદુ યુવક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છતાં હતાં. તમામ કેસમાં પોલીસે યુવક-યુવતીઓનાં માતા-પિતાને જાણ કરી હતી. આવા કેસ માટે ક્રાઇમ બ્રાન્ચમાં એક રજિસ્ટર છે. કચ્છ જિલ્લા પોલીસના જણાવ્યા પ્રમાણે, મહિલા પોલીસ કોલેજોમાં યુવતીઓ પાસે જાય છે અને તેમને પસંદ હોય એ યુવકનું નામ મેળવે છે. પછી પોલીસ યુવકની સામાજિક, ધાર્મિક, આર્થિક અને શૈક્ષણિક માહિતી મેળવે છે. યુવતી યુવક સાથે લગ્ન કરવાની હા પાડે તો તેમનાં માતા-પિતાનો સંપર્ક કરાય છે. આ રીતે પોલીસે ૧ વર્ષમાં ૯૦૩૯ વિદ્યાર્થિનીનો સીધો સંપર્ક સાધ્યો છે. કચ્છ જિલ્લાના પોલીસવડા મકરંદ ચૌહાણનું કહેવું છે કે, પોલીસ આ કોઈ પણ કામગીરીને ધર્મની દૃષ્ટિએ જરા પણ નથી જોતી, પરંતુ કોઈ મુસ્લિમ યુવક હિંદુ યુવતીને ભગાડી જાય ત્યારે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસે છે એટલે અમે આ રસ્તો અપનાવ્યો છે. પોલીસના પ્રયાસથી 'લવ-જેહાદ'ના કિસ્સા નથી બની રહ્યા.
યુવતીઓને તાલીમ
કચ્છ પોલીસ ‘ભગિની સક્ષમતા’ અભિયાન ચાલે છે. જાહેર સ્થળે યુવતીઓની છેડતી કરનારા તત્ત્વોનો હિંમતભેર સામનો કરવાની તાલીમ અપાય છે. જુલાઈ, ૨૦૧૬થી શરૂ થયેલા અભિયાનમાં ૯૦૫૯ યુવતી-મહિલાને તાલીમ અપાઈ છે.