ગમે તેટલા સમૃદ્ધ છતાં લગ્ન તો સમૂહમાં

Wednesday 28th August 2019 09:14 EDT
 
 

ભુજ: નાઈરોબી લેવા પટેલ સમાજે તાજેતરમાં ૨૫મા સમૂહલગ્ન રંગેચંગે યોજ્યા હતા. ૧૫ નવયુગલે આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં માંડયાં હતાં અને સામૂહિક કરિયાવર પણ થયાં હતાં. વિદેશમાં નામ-દામ કમાયા છતાં નાઈરોબી લેવા પટેલ સમાજ દ્વારા સમૂહમાં દીકરા દીકરીઓનાં લગ્ન કરાવાયાં હતાં. હિન્દુ કાઉન્સિલ ઓફ કેન્યાના ઉપપ્રમુખે ૨૫ નવયુગલને આશીર્વાદ આપ્યા હતા. પરંપરા, પરિવાર પ્રેમ, માતા-પિતા, સાસુ-સસરાની આમાન્યા ટકાવી રાખવા અગ્રણી લક્ષ્મણભાઈ રાઘવાણીએ શીખ આપી હતી. પ્રારંભે સૌને આવકારતાં નાઈરોબી સમાજના ચેરમેન ભીમજીભાઈ હાલાઈએ સૌનો આભાર માન્યો હતો. સમૂહલગ્નના કન્વીનર જયંતીભાઈ પ્રેમજી કેરાઈ (સદામ)એ કહ્યું કે, સવારે ગણેશ સ્થાપન, આરતી પૂજા, માંડવો, હસ્તમેળાપ અને કન્યા વિદાય હિન્દુ વૈદિક વિધિ સાથે સંપન્ન કરાયા હતા.
નાઈરોબી વસતા કચ્છીઓનો રવિવાર લગ્નોત્સવના ઉમંગે ઊજવાયો હોવાનું સમાજના મંત્રી નારાણભાઈ વડોદરિયાએ જણાવ્યું હતું. ઉદ્યોગપતિ દાતા કે. કે. પટેલ (કે. સોલ્ટ), પૂર્વ પ્રમુખ આર. ડી. વરસાણી, પૂર્વ ટ્રસ્ટી રામજીભાઈ ગામી, પરબતભાઈ પિંડોરિયા, પૂર્વ આફ્રિકા, કચ્છ સત્સંગ લંગાટા મંદિરના પ્રમુખ, કારોબારી સર્વે જોડાયા હતા. સમગ્ર આયોજન નાઈરોબી લેવા પટેલ સમાજના કારોબારી સભ્યો, ટ્રસ્ટીઓએ જ્ઞાતિના યુવક-યુવતી મંડળ સૌ કોઈના સહિયારા પ્રયાસે સફળ બનાવ્યું હતું. ૩૭ જેટલી વસ્તુઓનું સામૂહિક કરિયાવર કરાયું હતું. સ્થાનિક દુર્ગમ વિસ્તાર માટે પાણીના બોરવેલ બનાવી દેવા દાન જાહેર કરાયું હતું. દર વર્ષ કરતા અનોખી સજાવટ કન્વીનર જયંતીભાઈ સદામના નેજા હેઠળ લગ્ન સમિતિએ સજાવી હતી. ભુજ સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, યુ.કે. કોમ્યુનિટી પ્રમુખ વેલજીભાઈ વેકરિયાએ શુભેચ્છા આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter