ગાંધીધામઃ કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામના ૬૮મા સ્થાપના દિન ગાંધીધામ ડેની નગરપાલિકા દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. મેરેથોન દોડ, કાર્નિવલ, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના આયોજન આ ઉજવણીમાં સામેલ હતાં. કાર્નિવલ દરમ્યાન ગાંધીધામના માર્ગો પર લઘુ ભારતનો માહોલ સર્જાયો હતો.
શહેરના સ્થાપના દિનની ઉજવણીના આરંભે વહેલી સવારે ગાંધીધામમાં ગાંધીજીની પ્રતિમાથી આદિપુરમાં ભાઇપ્રતાપ સમાધિ સુધી હાફ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. આ મેરેથોન દોડમાં વિદ્યાર્થીઓ, યુવાનો, યુવતીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો જુસ્સા સાથે દોડયા હતા. આદિપુરમાં ભાઇપ્રતાપ સમાધિ ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. પ્રસંગોચિત વક્તવ્યમાં ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરીએ સૌને ગાંધીધામના જન્મદિવસની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, ગુજરાતનો ખેલાડી દેશભરમાં ગુજરાતનું નામ રોશન કરે તે માટે ગાંધીધામના ખેલાડીઓની તાકાત વધારવી જરૂરી છે.
મેરેથોન દોડમાં ભાગ લેનારા સ્પર્ધકોના જુસ્સાને બિરદાવતાં તેમણે કહ્યું હતું કે, હારેલો ખેલાડી હિંમત ન હારી આવતાં વર્ષે તેની જીત થાય તે સંકલ્પ સાથે દોડે તેવો અનુરોધ કર્યો હતો. મેરેથોન દોડના આયોજનમાં સિંધી સોશિયલ ગ્રુપનો સહયોગ સાંપડયો હતો.