ગાંધીધામ: રોટરી કલબની યુવા પાંખ રોટરેક્ટની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થતાં પહેલી જુલાઈએ ગાંધીધામમાં સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કલબના પ્રમુખ જય બાલાસરા અને તેમની ટીમે સવારે પાંચ વાગ્યાથી સેવાકાર્યો શરૂ કર્યા હતા.
યુવાઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રકોની પાછળ રેડિયમ પટ્ટી લગાવી હતી. શહેરના ગંદકીથી ખદબદતા વિસ્તારોમાં સાફ-સફાઈ કરી હતી. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતાં શિણાયની સરકારી શાળા વિદ્યાર્થિનીઓને કરાટેની તાલીમનું આયોજન કરાયું હતું અને કરુણા વિહાર કન્યા સદનની બાળાઓને ભોજન વિતરણ કરાયું હતું. આ ઉપરાંત ગાયોને ચારો નાંખવો, ગાયોના શિંગડામાં રેડિયમ પટ્ટી લગાડવી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
બપોરે ઓસ્લો સર્કલ પાસે ટ્રાફિક અંગે જાગૃતિના બેનરો યુવાનોએ લગાવ્યા હતા અને ટ્રાફિક પોલીસના જવાનોને લીંબુ શરબતનું વિતરણ કરાયું હતું. યુવાનોની એકસાથે ૫૦ સેવાકીય પ્રવૃત્તિઓને ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું હતું.