ગાંધીધામઃ ૫૭ વર્ષ જૂની અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા ગાંધીધામ રોટરી કલબ દ્વારા સ્વ. કસ્તૂરીલાલજી અગ્રવાલની સ્મૃતિમાં દાતાઓના સહયોગથી રૂ. ૫૦ લાખના ખર્ચે ગેસ આધારિત સ્મશાનગૃહ માત્ર ૪૦ દિવસમાં બનાવવામાં આવ્યું છે.
ગાંધીધામ સંકુલમાં બીજું અને કચ્છમાં ચોથું ગેસ આધારિત સ્મશાન તાજેતરમાં કાર્યરત પણ થયું હતું. રોટરી કલબના પ્રમુખ કે. સી. અગ્રવાલની હાજરીમાં દાતા પરિવારના સંતોષબહેન અગ્રવાલના હસ્તે આ સેવાકીય પ્રવૃત્તિનું લોકાર્પણ થયું હતું. ગાંધીધામ સ્મશાનભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મોહન ધારશી ઠક્કરે કહ્યું હતું કે, ગેસ આધારિત સ્મશાનગૃહમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે ૧૦૦ ફૂટ ઊંચી ચીમની લગાડવામાં આવી છે. જેથી માનવદેહનો અંદાજે ૪૫ મિનિટ સુધીના સમયમાં અગ્નિસંસ્કાર થઈ જશે. આ ગૃહમાં કુલ ૨૦ બાટલા ગોઠવવામાં આવ્યા છે. જેમાંથી ૧૦ બાટલા ચાલુ રહેશે. ૧૦ એકસ્ટ્રા રાખવામાં આવ્યા છે. એક મૃતદેહના અગ્નિસંસ્કારમાં એક બોટલ જેટલો ખર્ચ થશે. આ પદ્ધતિથી પર્યાવરણની જાળવણી પણ થાય છે તેવી માહિતી મોહનભાઈએ અાપી હતી.