ભુજઃ રાપર તાલુકાના ગાગોદર નજીકની વનવિભાગના સેન્ચુરી વિસ્તારમાં આવેલા મંદિરની પાછળની બાવળની ઝાડીઓમાં રાષ્ટ્રીય પક્ષી મોરને શિકારના ઈરાદાથી તાજેતરમાં મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. સ્થળ પરથી ૨૮ મોરના મૃતદેહો હાથ લાગ્યા હતા. તેમજ બે અન્ય મોરના સારવાર દરમિયાન મોત થયા હતા.
વાગડ વિસ્તારમાં અમુક ટોળકીઓ દ્વારા વન વિભાગના કેટલાક લાંચિયા બાબુઓને સાધી પશુ -પક્ષીઓને મિજબાની માટે મોતને ઘાટ ઉતારવામાં આવે છે. બે માસ પહેલાં પદમપરમાં થયેલા નીલગાયના શિકારમાં વન વિભાગ કશું જ ઉકાળી શક્યું નથી. રાપર તાલુકાના લાખાગઢ ગામે તાજેતરમાં જ મોરના શિકાર અંગે પણ તંત્રની ન સમજી શકાય તેવી તપાસ ચાલી રહી છે, ત્યારે ગાગોદર વન વિભાગની સેન્ચુરી પાસે આવેલા રાજબાઈ માતાના મંદિરની પાછળના ભાગે આવેલા તળાવની પાછળની બાજુએ ૩૦ મોરને શિકારીઓએ આયોજનબદ્ધ રીતે મોતને ઘાટ ઉતારી દીધા હતા. સ્થાનિકોએ ત્યાં મોરના મૃતદેહોનો ઢગલો જોયો હતો. બાવળની ઝાડીઓમાં થોડા થોડા અંતરે સાફ સફાઈ કરી ચણના દાણામાં ઝેરી પદાર્થ ભેળવી દઈ નિર્દોષ પક્ષીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. મોરની સાથોસાથ ઝેરી પદાર્થ ભેળવેલા ચણના દાણા ખાવાથી ચાલીસેક જેટલા કબૂતરોનાં પણ મોત થયા હતા.