ગુજરાત જ નહીં, કચ્છ, સુરેન્દ્રનગર મોરબી, દ્વારકા સુધી તીડ આવી શકે છે

Tuesday 12th May 2020 15:45 EDT
 
 

પાલનપુર-વાવઃ એક તરફ પાકિસ્તાનમાં પણ તીડે ત્રાસ વર્તાવ્યો છે તો બીજી તરફ ભારત - પાકિસ્તાન સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણનો ભય ફેલાયો છે. ત્યાં સુધી કે માત્ર ઉત્તર ગુજરાત જ નહીં કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર સુધી તીડના ત્રાટકવાની આશંકા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ આ અંગે સ્થાનિક તંત્રને સાવચેત કરવામાં આવ્યાં છે. રાજસ્થાનમાં અલગ-અલગ ગામોમાં તીડના ઝૂંડ પર રાજસ્થાન સરકાર કંટ્રોલ નહીં કરી શકે તો ટૂંક સમયમાં ગમે ત્યારે આ ઝૂંડ આવી શકે છે. હાલમાં રાજસ્થાનના જેસલમેર, બાડમેર અને ૮૦૦ કિ.મી. દૂર પંજાબ સરહદે તીડે જોકે આક્રમણ કર્યું જ છે. કેન્દ્રીય તીડ મંડળે બોર્ડરના તમામ કલેક્ટરને વીડિયો કોન્ફરન્સ દ્વારા તીડ અંગે અગમચેતી રાખવા સૂચના આપી દીધી છે.
બનાસકાંઠા જિલ્લામાં બોર્ડરના ત્રણ તાલુકાના ૩૮ ગામોના સરપંચોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. અગાઉ ડિસેમ્બર, ૨૦૧૯માં આવેલું તીડનું મોટું ઝૂંડ જિલ્લામાં અનેક ગામોને રહેંસીને પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું હતું. એ પછી મોટી સંખ્યામાં ઈંડા મૂકીને તીડે જેસલમેરમાં ત્રાસ ફેલાવ્યો છે અને રાજસ્થાન સ્થાનિક તંત્ર તીડના આક્રમણ સામે લડી રહ્યું છે. ઉપરાંત તીડનું એક અન્ય ઝૂંડ પાકિસ્તાનના બલુચિસ્તાનમાંથી રવિવારે બાડમેરજિલ્લાના ગામોમાં ત્રાટક્યું હતું. બાડમેરમાં તીડ નિયંત્રણ કામગીરી ચાલી રહી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે સરપંચોને દવા છંટકાવ કરવા માટે ટ્રેક્ટર પંપોની વ્યવસ્થા કરી એલર્ટ રહેવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. જેના પગલે સુઈગામ તાલુકામાં ૬, વાવમાં ૮૦ અને થરાદના ૧૬૯ ટ્રેક્ટર પમ્પ મળી ૨૬૧ ટ્રેક્ટર પમ્પને તીડ નિયંત્રણ કામગીરી માટે સ્ટેન્ડબાય રખાયા છે,.
ઉલ્લેખનીય છે કે તીડ એક દિવસમાં ૨૦૦થી ૩૦૦ કિમીની ઝડપે અંતર કાપે છે. ૧૨મી મેએ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રએ જણાવ્યું છે કે એક તો કોરોનાની મહામારીના વાતાવરણ એમાં તીડ આક્રમણ સૌથી વધુ ખેડૂતોને નુક્સાનકારક થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter