અમદાવાદઃ ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી કચ્છની દરિયાઈ સીમામાંથી પાકિસ્તાની બોટ સાથે નવ શખસો ઝડપાયાની ઘટના બાદ પાંચમી ઓક્ટોબરે વધુ એક પાકિસ્તાની બોટ આઠ શખસ સાથે ઝડપાઈ જતાં ગુજરાતના સરહદી વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પંજાબમાંથી પણ પાકિસ્તાની બોટ મળી આવી હતી. કચ્છને પાકિસ્તાનને જોડતી દરિયાઈ સીમામાંથી બીએસએફના જવાનોએ આઠ પાકિસ્તાનઓને બોટ સાથે ઝડપી લીધા છે.
અગાઉ બોટ સાથે ૯ પાકિસ્તાનીઓ ઝડપાયા હતા જેના પાંચમીએ ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. બીએસએફના જવાનો કચ્છના કોટેશ્વર - ક્રીકમાંથી ચૌહાણ નાળા પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સવારના પાંચમીએ સવારે પાકિસ્તાની બોટ નજરે પડી હતી. જેની ઉપર વોચ રાખતા તેઓની શંકાસ્પદ હિલચાલ તેમજ ભારતીય દરમિયાન સીમામાં પ્રવેશથી તેઓની તાત્કાલિક ધરપકડ કરી હતી અને તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.