ગાંધીધામઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના મહત્ત્વાકાંક્ષી ચંદ્રયાન મિશન માટેના મહત્ત્વપૂર્ણ પાર્ટસ કચ્છમાં તૈયાર કરીને કન્યાકુમારી ખાતે આવેલા ઈસરોના મહાદેવગિરિ પ્રોજેકટ સ્થળ મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ પાર્ટસ યુકે અને જર્મનીમાં બનતા હતા. પરંતુ હવે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વરસાણાની એક કંપનીમાં તેને તૈયાર કરવામાં આવતા હતા.
અંતરિક્ષના તાપમાનને અનુરૂપ એવા સિલિન્ડરમાં ચંદ્રયાન મિશનના પાર્ટ્સનું પરીક્ષણ કરવાનું હોય છે. અગાઉ આવા સિલિન્ડર ઇંગ્લેન્ડ અને જર્મનીથી આયાત કરવામાં આવતા હતા. જેમાં એક સિલિન્ડરની કોસ્ટ પંદરેક કરોડ જેટલી થતી હતી. પરંતુ હવે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને સિલિન્ડરને વરસાણામાં આવેલી એવરેસ્ટ કેન્ટો નામની કંપનીમાં ઇસરોના સુપરવિઝન હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં સિલિન્ડરની કોસ્ટ પણ લગભગ અડધી થઈ જાય છે. આવા ૬૦ સિલિન્ડરના જથ્થાને દસ ટ્રકમાં ભરીને શનિવારે કચ્છથી કન્યાકુમારી
ઇસરોના પ્રોજેક્ટ સ્થળે મોકલવામાં આવ્યા હતા.