દયાપર: પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર કે જેનો શ્રીમદ્ ભાગવતકથામાં પણ ઉલ્લેખ છે તેવા પવિત્ર સરોવરના જળથી પિતૃતર્પણ, શ્રાદ્ધ તેમજ પિતૃમોક્ષ માટેની વિવિધ પ્રકારે વિધિ-વિધાનોવાળા મંત્રોચ્ચારથી ચૈત્રી પૂનમના નારાયણ સરોવરનો કાંઠો ગાજી ઊઠયો હતો. ચૈત્ર અને કારતક માસ પિતૃ વિધિ-વિધાન માટેના ખાસ મહિનાઓ છે. જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નારાયણ સરોવર આવે છે.
અન્નક્ષેત્ર ભોજનાલયના જયેશભાઈ જોષીએ કહ્યું હતું કે ગત વર્ષે ચૈત્રી પૂનમના શ્રદ્ધાળુઓની ભોજન પ્રસાદમાં ૩૦૦૦ જેટલી સંખ્યા હતી. આ વખતે ૧૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદ લીધો હતો. આ વખતે તો સરોવરમાં પાણી પણ છે. છતાં શ્રદ્ધાળુઓની સંખ્યા શા માટે ઘટી તેની ચર્ચા હતી. ચૈત્રી પૂનમના સુમરાસર અને ઢોરી વિસ્તારના શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ હતી. જો કે ચૈત્રી વદના ચૌદસ, અમાસ વખતે પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં નારાયણ સરોવર આવતા હોય છે.