અમદાવાદઃ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે આઠમી જાન્યુઆરીએ સયાજીનગરી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી. માળિયા પાસે બે અજાણ્યા માણસો ટ્રેનમાં ઘૂસ્યા અને ભાનુશાળી પર ગોળીબાર કર્યો હતો. ભાનુશાળીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. હત્યામાં ભાનુશાળીના પરિવારે પૂર્વ ધારાભ્ય છબીલ પટેલનો હાથ હોવાની શંકા વ્યક્ત કર્યા બાદ તાજેતરમાં તપાસ સમિતિએ છબીલ પટેલ અને મનિષા ગોસ્વામીએ ભેગા મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું જાહેર કર્યું છે.
આ કેસમાં મનિષા, પૂણેથી આવેલા શાર્પ શૂટર અને શાર્પશૂટર્સને હત્યા માટે મદદ કરનારા ભાગીદારો નીતિન પટેલ અને રાહુલ પટેલની એસઆઈટીએ ધરપકડ કરી છે.
શાર્પશૂટરો શશીકાંત ઉર્ફે બિટિયા દાદા કામ્બ્લે અને શેખ અશરફ અનવર ફરાર છે. જોકે, શાર્પશૂટર્સ સાથે શું સોદો થયો હતો એ તપાસ હજી ચાલે છે. ઉલ્લેખનીય છે કે, મનિષા ગોસ્વામી અને તેના સાગરિતો જયંતી ભાનુશાળીને સતત બ્લેકમેઈલ કરતા હતા તેથી ક્રાઈમ બ્રાંચે આઠ માસ પહેલાં પણ તેમને ઝડપી લીધા હતા. મનિષા અને તેના સાગરિતોએ મળીને બે સેક્સ-સીડીઓ લીક કરી હતી. વધુ સીડીઓ લીક નહીં થાય તેની ક્રાઈમ બ્રાંચ સમક્ષ મનિષા અને તેની મંડળીએ ખાતરી આપી હતી. જોકે એ પછી પણ જયંતી ભાનુશાળીનું બ્લેકમેઈલિંગ ચાલુ રહેતાં પોલીસે મનિષા સહિત અન્યોની ધરપકડ કરી હતી. મનિષા પાસે રાજકારણીઓની ૩૦થી વધુ સેક્સ-સીડીઓ હોવાના એટીએસ અને ક્રાઈમ બ્રાંચને બાતમી મળી છે. જોકે, હજી સુધી એક પણ સીડી મળી નથી.
આર્થિક મુદ્દાનો વિવાદ
એસઆઈટીના વડા અજય તોમરે જણાવ્યું કે, જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનીલે મનિષા સામે નરોડા પોલીસ મથકમાં ૧૧મી એપ્રિલ ૨૦૧૮ના રોજ ખંડણીની માગની ફરિયાદ નોંધાવી હતી. એ પછી જમીનના બનાવટી દસ્તાવેજો કરાવવાનો એક કેસ નરોડા પોલીસ મથકમાં ૨૪મી જૂન ૨૦૧૮ના રોજ નોંધાયો હતો. આ બંને કેસમાં મનિષા ૧૦મી જૂનથી ૩જી ઓગસ્ટ સુધી જેલમાં હતી. આ વખતે છબીલ પટેલ અને સુરજીત પરદેશી (ભાઉ)એ સાબરમતી જેલમાંથી મનિષાને છોડાવવામાં મદદ કરી હતી. એ પછી શક્યતઃ છબીલ પટેલ અને મનિષાએ ભેગા મળીને જયંતી ભાનુશાળીનો કાંટો કાઢવા નક્કી કર્યું હતું.
પૂણેમાં પ્લાન બન્યો!
નવેમ્બર ૨૦૧૮માં પૂણેમાં મનિષા, છબીલ પટેલ, સુરજીત પરદેશી (ભાઉ) મળ્યા હતા અને ભાનુશાળીની વોચ રખાતી હતી. છબીલ પટેલે પોતાના નારાયણી ફાર્મ હાઉસમાં ૨૫મી ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ શશીકાંત કામ્બ્લેને ઉતારો આપ્યો હતો. ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ અન્ય કાવતરા ખોરો ફાર્મ ઉપર આવ્યા પછી ભાનુશાળીની રેકીઓ કરી હતી.
શાર્પશૂટર્સને પકડવા તજવીજ
શશીકાંત બિટિયા તથા અશરફ શેખને પકડવા મહારાષ્ટ્ર, પૂણે, ઉત્તર પ્રદેશ સહિત સાત જગ્યાએ તપાસ ચાલે છે જ્યારે છબીલ પટેલ બીજી જાન્યુઆરીએ જ મસ્કત ગયા હોવાનું જણાયું છે. જેથી છબીલ પટેલને પકડવા ઈન્ટરપોલની મદદ લેવાશે.