જખૌ પાસે દરિયામાં રૂ. ૩૦૦ કરોડના હેરોઈન સાથે ૮ પાકિસ્તાની ઝડપાયા

Wednesday 21st April 2021 04:30 EDT
 
 

અમદાવાદ/ભુજ: કચ્છમાં જખૌની આંતરરાષ્ટ્રીય જળસરહદ પાસેથી ૩૦૦ કરોડ રૂપિયાના હેરોઈન સાથે આઠ પાકિસ્તાની શખ્સો ઝડપાયા છે. અબડાસા તાલુકાના જખૌ દરિયાઈ વિસ્તાર નજીક બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસ અને ભારતીય કોસ્ટ ગાર્ડૅ સંયુક્ત ઓપરેશનમાં મંગળવારે રાત્રે આશરે ૧૨.૪૫ વાગ્યાના અરસામાં શંકાસ્પદ બોટને પકડી પાડી હતી.
બોટમાં માછીમારોના સ્વાંગમાં રહેલાં પાકિસ્તાની શખ્સોએ ભાગવાની કોશિશ કરી હતી પરંતુ સતર્ક સુરક્ષા એજન્સીઓએ તેમને ઝડપી લીધા હતા. બોટમાંથી ૩૦ કિલો જેટલો હેરોઈનનો જથ્થો મળ્યો છે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે ૩૦૦ કરોડ જેટલી થવા જાય છે. કચ્છના જખૌ નજીક એક કિલોનું એક એવા હેરોઈનના ૩૦ પેકેટ્સ ઉતારીને ગુજરાતના માર્ગે પંજાબ મોકલવાના હતા.
ગુજરાત એ.ટી.એસ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અબડાસા તાલુકાના જખૌ બંદરે આશરે ૩૦૦ કરોડના હેરોઈન સાથે ૮ પાકિસ્તાની શખ્સોને ઝડપી પાડયા છે. માછીમારોના સ્વાંગમાં મધરાતે કચ્છ નજીક આવેલી આંતરરાષ્ટ્રીય જળસીમાથી ભારતીય જળસીમામાં પ્રવેશતાં જ આ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. ગુરૂવારે કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે કચ્છની જખૌ દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ હોવાની હકીકત મળતા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
દરિયાઈ વિસ્તારમાં પસાર થતી શંકાસ્પદ બોટને કોસ્ટગાર્ડના જવાનો અને એટીએસની ટીમે કોર્ડન કરીને ચેકીંગ કરતા તેમાંથી આઠ પાકિસ્તાની નાગરિકો સવાર હતા તેમજ ૩૦ કિલો હેરોઈનનો જથ્થો મળી આવતા તેઓની ઉલટ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રગ્સની કિંમત ૩૦૦ કરોડ આંકવામાં આવી રહી છે. એક-એક કિલોનું એક એવા હેરોઈનના કુલ ૩૦ પેકેટ્સ બોટમાં છૂપાવવામાં આવ્યાં હતાં. માછીમારી કરવા માટે નીકળ્યા હોવાનો સ્વાંગ રચી આવેલા આઠ પાકિસ્તાની શખ્સોની સઘન પૂછપરછ ભૂજ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટરમાં હાથ ધરાઈ છે. ગુજરાત અને દેશની જુદી જુદી એજન્સીઓ ડ્રગ્સની હેરાફેરીના કેસમાં ઊંડી તપાસ કરશે.
ભારતીય કોસ્ટગાર્ડના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશન ગુજરાત એટીએસ ટીમ સાથે મળીને પાર પાડવામાં આવ્યું હતું. ગુરૂવારે જખૌ બંદર પાસેથી બોટ પકડાઈ હતી. પાકિસ્તાની બોટ ભારતીય જળ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રેખાની નજીક ઝડપાઈ હતી. હાલ બોટને દેશની જુદી જુદી એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસ માટે કિનારે લાવવામાં આવી છે. બોટમાં કોઈ પણ છુપાવેલી વસ્તુઓને યોગ્ય રીતે તપાસમાં આવશે. હાલ આ સમગ્ર કેસમાં જુદી જુદી એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. હેરોઈનનો જથ્થો ક્યારે નીકળ્યો હતો તેમજ કોણ તેને રીસીવ કરવાનું હતું તે સહિતની વિગતો તપાસ દરમિયાન બહાર આવશે.
કોસ્ટગાર્ડે એક વર્ષમાં રૂ.૫૨૦૦ કરોડનું ડ્રગ્સ પકડયું
ભારતની વિશાળ દરિયાઈ સરહદથી ડ્રગ્સની દાણચોરી થઈ રહી છે ત્યારે કોસ્ટગાર્ડ સતત સતર્ક છે. વિતેલા એક જ વર્ષમાં કોસ્ટગાર્ડે જુદા જુદા વિસ્તારમાંથી ૫૨૦૦ કરોડ રુપિયાનો ૧.૬ ટન ડ્રગ્સનો જથ્થો પકડી પાડયો છે. અત્યાર સુધીમાં કોસ્ટગાર્ડે કુલ ૧૧૨૫૨ કરોડના નશીલા પદાર્થો પકડયાં છે. ૧૮ માર્ચે લક્ષદ્વિપ પાસે ૩૦૦ કિલો હેરોઈન, પાંચ એકે-૪૭ રાઈફલ અને બૂલેટ્સના ૧૦૦ રાઉન્ડ પકડી પડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter