જખૌના દરિયામાંથી ઝડપાયેલું ડ્રગ્સ રૂ. એક હજાર કરોડનું હોવાનું ખૂલ્યું

Wednesday 29th May 2019 06:30 EDT
 
 

ભુજઃ અબડાસા તાલુકાના જખૌના દરિયાઈ વિસ્તારમાં ઝડપાયેલી પાકિસ્તાની બોટમાંથી મળેલો ડ્રગ્સનો જથ્થો રૂ. એક હજાર કરોડનો હોવાનું બહાર આવ્યું છે. બોટમાંથી ઝડપાયેલા ડ્રગ્સના ૧૯૪ પેકેટમાં કુલ ર૧૭ કિલો જથ્થો હોવાનું અને તેની બજાર કિંમત એક કિલોના રૂ. પાંચ કરોડ જેટલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સંભવતઃ આ ડ્રગ્સ બ્રાઉન હેરોઈન જેવું છે.
પૂર્વે કોસ્ટગાર્ડ દ્વારા જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ અલમદીનાને ઝડપી પકડાઈ હતી. જેમાંથી ર૧૭ કિલો ગ્રામાથી વધુ આ બ્રાઉન હેરોઈન કોસ્ટગાર્ડે ઝડપી પાડયું હતું. ત્યાર બાદ જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. પાકિસ્તાનના સિંધ પ્રાંતના કંદર વિસ્તારના સફદરઅલી અલવારાયુ શેખ, અઝીમખાન, અબ્દુલ ગફુર, અબ્દુલ અઝીઝ, અલ હીદાદ અને મોહંમદ ઉર્ષને ઝડપી લેવાયા હતા. ઝડપાયેલા આરોપીઓને ભુજની સ્પેશિય કોર્ટમાં રજૂ કરવામાં આવતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ઉલ્લેખનીય છે કે જ્યારે ૨૧મી મેએ આ કથિત બ્રાઉન શૂગર પકડાયું ત્યારે તેની અંદાજિત કિંમત રૂ. ૫૦૦ કરોડની આસપાસ અંકાઈ હતી. આ ડ્રગ્સ ડિલિવરી થઈને ભારતમાં પહોંચે તે પહેલાં જ પૂર્વ માહિતીના આધારે પાકિસ્તાની બોટ અલ મદિના ઝડપી લેવાઈ હતી.
બોટ સિગ્નલની રાહ જોતી હતી
ભારતીય જળસીમામાં ઇન્ટરનેશનલ મેરિટાઇમ બાઉન્ડ્રી નજીક પાકિસ્તાનના કરાચીથી આવ્યા બાદ બોટ સિગ્નલની રાહ જોતી બાઉન્ડ્રી લાઇનની બાજુમાં ઊભી હતી ત્યારે તે પકડાઈ હતી.
છ પાકિસ્તાની સવાર
આ બોટમાંથી છ પાકિસ્તાનીઓ સવાર હતા તેમને પકડાયા હતા અને તેમની પોલીસ અને વિવિધ સુરક્ષા-ગુપ્તચર એજન્સીઓએ પૂછપરછ હાથ ધરી છે અને શંકાસ્પદ પેકેટ કેમિકલ એનાલિસિસ માટે મોકલવામાં આવ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter