અમદાવાદ: કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરવાના બનાવના ૬૬ દિવસ બાદ ૧૪મી માર્ચે આ કેસના મુખ્ય આરોપી ભાજપના છબીલ પટેલની નાટકીયઢબે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાથી આવતી ફ્લાઇટમાંથી બહાર નીકળ્યા બાદ સીઆઇડી ક્રાઇમની ટીમે વહેલી સવારે ધરપકડ કરી હતી. પોતે નિર્દોષ હોવાના દાવા સાથે પોલીસને થાપ આપી વિદેશમાં ફરી રહેલા છબીલ પટેલે પોલીસ સમક્ષ પોતાના રાજકીય હરીફને પતાવી દેવા માટે સમગ્ર હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું કબૂલ્યું છે.
સીઆઇડી ક્રાઇમ અને રેલવેઝના એડિશનલ ડીઆઇજી આશિષ ભાટિયાએ આપેલી વિગતો અનુસાર સીઆઇડી ક્રાઇમની ટીમ ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલ અમેરિકાથી આવતી ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાના હોવાની બાતમીના આધારે સીઆઇડી ક્રાઇમની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના ડીવાયએસપી જે. પી. રાઓલ અને તેમની ટીમના સભ્યોએ ગોઠવેલી વોચમાં છબીલ પટેલની ઇમિગ્રેશન વિભાગમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી.
છબીલ પટેલ પાસેથી પોલીસે તેમનું પર્સ અને અન્ય સમાન કબજે કરાયા હતા. પ્રાથમિક પૂછપરછમાં છબીલ પટેલે ભાનુશાળી સાથે વિવાદ વધતાં દિલ્હીમાં થયેલી ફરિયાદ બાદ સમાધાન પડી ભાંગતા હત્યા કરવા શાર્પશૂટરોનો સંપર્ક કર્યાની કબૂલાત કરી હતી.
વેવાઈની ધરપકડ થતાં પાછા આવ્યા
છબીલ પટેલે પોલીસને કહ્યું કે, તેમના વેવાઈની આ કેસમાં સાક્ષી પવન મોરેના ઘરની રેકી કરવાનો કેસ દાખલ થતાં તેના પર સામાજિક દબાણ ઊભું થયું હતું. જેના પરિણામે તેમને ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પર પણ આરોપ છે કે સમગ્ર કાવતરામાં શાર્પશૂટર્સને તેણે હથિયારો પૂરા પાડ્યા હતા અને પ્લાન સફળ બનાવવામાં અન્ય મદદ પણ કરી હતી.