ભચાઉ: અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કેસ અને કેડીસીસીના રૂ. ૭ કરોડના કૌભાંડમાં સંડોવાયેલો જેન્તી ઠક્કર ડુમરા ૨૩મી મેએ ભચાઉની સબજેલમાં ૪ કેદી સાથે દારૂની મહેફિલ માણતો પકડાયો હતો. આ ઉપરાંત તેની પાસેથી મોબાઇલ અને સીમકાર્ડ પણ મળી આવતાં ભચાઉ પોલીસે તેના વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધ્યા છે.
ભચાઉ વિભાગના ડીવાયએસપી કે જી ઝાલાએ જણાવ્યું કે, ૨૩મીએ રાત્રે એક વાગ્યે દરોડો પાડતાં જેન્તી ઠક્કર, રાજુરામ નાયક, ચોબારી કેસનો આરોપી હાજી આરબ, એટીએમ તોડવાની કોશિશમાં પકડાયેલો રાહુલ રામશંકર પાંડે અને અન્ય એક કેદી રજાક ઇબ્રાહિમ તૂર્ક દારૂની મહેફિલ માણતાં પકડાયા હતા. તેમની પાસે મોબાઈલ અને સીમકાર્ડ હતાં એ પણ જપ્ત કરાયા છે. દરમિયાન જાણવા મળ્યું છે કે ભાનુશાળીની હત્યા કેસમાં પ્રોફેશનલ કિલર રાજુ ધોત્રે ૨૩મીએ પુણેથી ઝડપાયો હતો. રાજુ ધોત્રેની બાતમીના આધારે એન્ટી ટેરેરિસ્ટ સ્કવોર્ડની ટીમે પુણેથી ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ૮ જાન્યુઆરીએ ભુજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસના કોચ એચ-૧માં મુસાફરી કરી રહેલા કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની અજાણ્યા લોકોએ ફાયરિંગ કરીને હત્યા કરી હતી. આ કેસમાં રાજુ સહિત અત્યાર સુધી કુલ ૮ લોકોની ધરપકડ કરાઈ છે.