અમદાવાદઃ અબડાસાના પૂર્વ ભાજપી ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં સીટની ટીમે પાંચને રિમાન્ડ પર લીધા બાદ આ કેસના કથિત મુખ્ય સૂત્રધાર ફરાર છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની સંડોવણી ખૂલી છે. સિદ્ધાર્થ દસમીએ મોડી રાત્રે પોલીસ સમક્ષ સામેથી હાજર થતાં તેની ધરપકડ કરાઈ હતી.
આ કેસમાં પુનાના શાર્પ શૂટર વિશાલ કાંબલે, શશીકાંત કાંબલે અને અશરફ શેખની ધરપકડ અગાઉ કરાઈ હતી અને તેમના રિમાન્ડ લેવાયા હતા. પોલીસ પૂછપરછમાં છબીલ પટેલના નારાયણી ફાર્મ હાઉસ પર કામ કરતા રાહુલ પટેલ અને નીતિન પટેલ પાસેથી વિગતો મળી હતી કે, ભાજપી નેતા છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલે વિશાલ અને શશીકાંતને તેના ફાર્મ હાઉસમાં રહેવાની સગવડ કરી આપવા સાથે હત્યાનું કાવતરું પાર પાડવામાં મદદ કરી હતી. સિદ્ધાર્થ પિતા છબીલ પટેલના સંપર્કમાં પણ હોવાનું ખૂલ્યું છે.
આ પ્રકરણમાં હત્યા માટેના હથિયારથી માંડીને શૂટરોને પોલીસ ઓળખે નહીં તે માટે હેલમેટ પણ સિદ્ધાર્થે આપી હોવાનું કહેવાય છે. આ કેસમાં સિદ્ધાર્થે શૂટરોને જે મદદ કરી તેના પુરાવા અને મુદ્દામાલ કબજે કરવા હાલમાં દોડધામ શરૂ કરાઈ હતી.
વેવાઈ સહિત ત્રણને રિમાન્ડ
છબીલ પટેલના વેવાઈ રસિક પટેલ તથા ભત્રીજા પીયૂષ વસણી પર આરોપ છે કે સાક્ષીઓને ડરાવવા તેમના ઘરની રેકી કરી હતી. જેના પગલે પોલીસે રસિક પટેલ સહિત ત્રણની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેલમાં શાર્પશૂટરો માટે ટિફિનની વ્યવસ્થા કરવા માટે પણ છબીલ પટેલે આરોપીને કહ્યું હતું. તેવું બહાર આવ્યું છે.