અમદાવાદઃ કચ્છની અબડાસા સીટના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. તેમનો મૃતદેહ પરિવારને સોંપાયા પછી નવમી જાન્યુઆરીએ સવારે તેમના અંતિમ દર્શન વખતે પૂર્વ પ્રધાન રમણ વોરા પાસે ભાનુશાળીની પુત્રીએ ચીસો પાડીને કહ્યું કે, ઇન્સાફ... મારા પપ્પાને ઇન્સાફ... ન્યાય જોઇએ. જયંતીભાઇની પુત્રી ખુશાલીએ જ પિતાના મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથેની અંતિમયાત્રામાં અંતિમયાત્રામાં ભાજપના નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ, રમણલાલ વોરા અને નિમાબહેન આચાર્ય સહિત સ્થાનિક કોર્પોરેટરો, કાર્યકરો જોડાયા હતા. નરોડા સ્મશાનમાં જયંતીભાઈની પુત્રીએ અગ્નિદાહ આપ્યો હતો.
નજીકના જ ઘાતકી હોવાની તપાસ
જયંતીભાઈના સ્વજનોએ છ જણા પર શંકા હોવાનું જણાવ્યું હતું. તે પૈકી મનિષા ગોસ્વામી અને સુરજીત ‘ભાઉ’ ઉપરાંત તેના શેખર નામના શૂટર, બે સાગરીતોની ફરતે પોલીસ તપાસ ચાલે છે. મનિષા, ભાઉ અને શેખરની ધરપકડ પણ કરાઈ છે.
મર્ડરનું કારણ સિક્રેટ વીડિયો?
ભાનુશાળીની હત્યામાં તેમનો મોબાઇલ કારણભૂત બન્યો હોવાના તારણ પર હવે પોલીસ પહોંચતી જાય છે. ગુજરાત સીઆઈડી માને છે કે ભાનુશાળીના ગુમ થયેલા મોબાઇલમાં એવા વીડિયો હતા જે અનેક લોકો માટે જોખમી હોઈ શકે છે. આ વાતનું તારણ પણ એ કારણે આવ્યું છે કે જયંતીભાઈના બાકીના બે મોબાઇલમાં પણ એવી વાંધાજનક વાતોના વીડિયો મળ્યા છે જે વીડિયો જાહેર થાય તો ગુજરાત જ નહીં, દેશના અનેક નેતાઓના પગ નીચેથી જમીન સરકી જાય. આ વીડિયોમાં જયંતીભાઈ પોતે પણ દેખાય છે અને એ નેતાઓ પણ દેખાય છે. જમીનથી લઈને પાર્ટીમાં કરવામાં આવનારા ચેન્જ વિશેની એ મીટિંગોનું પણ વીડિયો-રેકોર્ડિંગ થયું છે.
ગુજરાત પોલીસનું માનવું છે કે જે મોબાઇલ ગુમ થયો છે એમાં વધારે સ્ફોટક વીડિયો હોઈ શકે છે. જયંતીભાઈનું નામ અત્યાર સુધીમાં બે વખત સેક્સ સંબંધિત વિવાદના મુદ્દામાં છેડાયું છે, જેમાંથી એક વખત મનીષા ગોસ્વામીએ તેમના પર એવા આક્ષેપો કર્યા હતા તો ગયા વર્ષે સુરતની એક યુવતીએ એવા આક્ષેપો કર્યા હતા. પોલીસનું માનવું છે કે એ કેસ અને આક્ષેપો રિલેટેડ વીડિયો પણ એ મોબાઇલમાં હોઈ શકે છે. પોલીસનું આ માનવા પાછળનું કારણ પણ એ છે કે જયંતીભાઈની બેગમાંથી તેમના બીજા કોઈ આર્ટિકલ નહોતા મળ્યા પણ તેમની વિરુદ્ધ ન્યૂઝપેપરમાં આવેલા સેક્સ-સ્કેમના ન્યૂઝનાં કટિંગ જ મળ્યાં હતાં. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, જયંતી ભાનુશાળી કચ્છ આવી રહ્યા હોવાના પોસ્ટર લાગતાં જ અગાઉના રાજકીય અને સેક્સકાંડના વિવાદો શમાવવા થયેલા સમાધાન સમયે અપાયેલી ખાતરીઓ માટે મનિષા કચ્છ પહોંચી હતી. મનિષા સાથે ભાનુશાળીનો એક સમયનો વિશ્વાસુ સુરજીત ‘ભાઉ’ પણ હતો. સંભવત: પૈસા અને જમીનના મુદ્દે મડાગાંઠ સર્જાઈ હોવાનો મુદ્દો હજુ પોલીસ સ્પષ્ટ કરવા માગે છે.