ભુજઃ દુશ્મન દેશના વિમાનનો પીછો કરતા પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં પહોંચી ગયેલા જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું કચ્છના નલિયા એરબેઝમાં પોસ્ટિંગ થયાની વાત સોશિયલ મીડિયામાં ફેલાઈ છે. જોકે ઈન્ડિયન આર્મીએ આ અંગે કોઈ કોમેન્ટ કરવાનું ટાળ્યું છે. અભિનંદનને નલિયામાં પોસ્ટિંગ મળ્યું હોવાની તેમની લાંબી મૂછો સાથેના ફોટાવાળી પોસ્ટ ફરતી થઈ છે.
કાશ્મીરનો મુદ્દો અત્યારે ભારે ચર્ચામાં છે. બાલાકોટ એર સ્ટ્રાઇક વખતે પીઓકેના વિસ્તારમાં પડી જનારા અભિનંદનના સમાચાર પણ વાયરલ થયા છે. વિંગ કમાન્ડરને ભારતને પરત સોંપવાના રાજદ્વારી દબાણ બાદ વાઘા બોર્ડર પરથી તેને ભારતમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સુરક્ષા અને મેડિકલ એજન્સીઝની ચકાસણીઓ પછી ફરીથી એરફોર્સમાં ફરજ પર લેવામાં આવ્યા છે. તેઓ સ્વસ્થ થયા બાદ તાજેતરમાં હાલમાં તેમને કચ્છના પશ્ચિમી સરહદે આવેલા અબડાસા તાલુકાના નલિયા પાસેના ભાનાડા એરફોર્સ સ્ટેશન પર મૂકવામાં આવ્યા હોવાનું મનાય છે. સામાન્ય સંજોગોમાં આર્મીમાં કોઈ પણ સ્થળે પોસ્ટિંગ નવાઇની વાત નથી, પરંતુ અભિનંદન પાકિસ્તાનનું વિમાન તોડી પાડયા પછી હીરો બની ગયા હોવાથી લોકોને તેમના પોસ્ટિંગમાં રસ પડયો છે.