ભુજ: જાપાની વડા પ્રધાન આબે તથા તેમનાં ધર્મપત્ની અકી આબે તાજેતરમાં અમદાવાદ-ગાંધીનગરની બે દિવસની મુલાકાતે હતા. ૧૩મી સપ્ટેમ્બરે અમદાવાદમાં આગમન વખતે એબે દંપતીનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. ત્યારે જાપાનના ફર્સ્ટ લેડીએ પહેરેલા કચ્છી શિકારી ભાતના બાંધણી કુર્તાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ભારત આવેલા જાપાની વડા પ્રધાન અને તેમનાં પત્નીએ ભારત પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરવા ભારતીય પોશાક પહેરવા પર પસંદગી ઉતારી હતી. તેમના પણ દેશના છેવાડાના એવા કચ્છ પ્રદેશના પરંપરાગત બાંધણી વર્કનો ગુલાબી બાંધણી કુરતો પહેરતા સોશિયલ મીડિયામાં સૌએ ફર્સ્ટ લેડીની પસંદગીની પ્રશંસા કરી હતી. મળતી વિગતો આ બાંધણી ભાત કચ્છમાં ચિકારી કે શિકારી ભાત તરીકે પ્રચલિત છે. આ ભાતનું કામ મુખ્યત્વે ભુજ, અંજાર, અજરખપુર, બારા, તેરા સહિતના શહેર તથા ગામોમાં થાય છે. જાપાનની પ્રથમ મહિલાએ કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા વિશ્વના દરેક ખૂણે વસતા ભારતીયોમાં આ બાબતની ચર્ચા રહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાતનો ફોટો વાયરલ થતાં સામાન્ય લોકોમાં પણ અકીએ કચ્છી પોશાક પહેર્યો હોવાની વાતની જ ચર્ચા છવાયેલી રહી હતી.