કચ્છઃ રાતડિયાના જીવીબહેનના પુત્ર વિરેન રબારીનો વર્ષ ૧૯૯૩માં થયેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પછી કોઈ પત્તો નથી, પણ જીવીબહેનની આશા અમર છે. ‘સાહેબ, બસમાં મારો દીકરો વિરેન આવ્યો છે?' આવું જીવીબહેન છેલ્લા ૨૩ વર્ષથી રાતડિયા ગામમાં આવતી એસ.ટી. બસના કન્ડક્ટરને રોજ પૂછે છે. મારો વિરેન મળે તો કહેજો કે મા ઘરડી થઈ ગઈ છે આવીને તેડી જાય... હવે મારાથી કામ થતું નથી.
વિરેન રબારી ૧૯૯૨માં માતા જીવીબહેન અને પત્ની વરજુને લઈને મુંબઈ ગયો. નાલાસોપારામાં નાનકડી ખોલી ભાડે રાખી પરિવાર રહેતો હતો. વિરેન મુંબઈથી સુરત જતો અને સાડીઓ ખરીદી મુંબઈમાં ઘરે ઘરે જઈ સાડીઓ વેચતો હતો.
માર્ચ ૧૯૯૩માં વિરેનના ગામમાં સગાના લગ્ન હોવાથી વિરેને જીવીબહેન અને વરજુને કચ્છ જતી ટ્રેનમાં બેસાડી દીધા અને પોતે એકાદ અઠવાડિયામાં આવી જશે તેવું કહ્યું હતું, પણ ૧૨મી માર્ચ, ૧૯૯૩ના રોજ મુંબઈમાં સિરિયલ બોમ્બ ધડાકા થયા. કચ્છમાં બધાને વિરેનની ચિંતા થવા લાગી. વિરેનનો સંપર્ક થયો નહીં અને દિવસો પસાર થયા, પણ વિરેન આવ્યો નહીં.
વિરેનના ભાઈઓ તેને શોધવા માટે મુંબઈ પહોંચ્યા. વિરેનના પરિચિતોએ તેમને કહ્યું કે, બોમ્બ ધડાકા પછી વિરેનને કોઈએ જોયો નથી. રાતડિયામાં બપોરે ત્રણ વાગે બસ આવે છે. ૨૩ વર્ષમાં એક પણ દિવસ એવો નથી કે જીવીબહેન સ્ટેન્ડે બેઠા ના હોય. રોજ બસ અને જીપવાળાને પૂછે કે, મારો વિરેન આવ્યો...? અને નામાં જવાબ મળતાં નિરાશ થઈને ઘરે જાય છે. પશુપાલક જીવીબહેન આજે પણ ગાયો રાખે છે. કોઈ મળે તો કહે છે, વિરેનને કહેજો હવે કામ થતું નથી, મને આવીને લઈ જાય. વિરેનના ભાઈ વરસીભાઈએ કહ્યું કે, માનો સંદેશો ક્યાં વિરેનને આપે? વરજુ પિયર રહેવા જતી રહી છે. જોકે તેણે પણ હજી બીજા લગ્ન કર્યાં નથી તે પિયરમાં પોતાના પતિની રાહ જોઈ રહી છે.