નિરોણા: પોતાની પાંચ પેઢીઓથી લુહારી કામ સાથે સંકળાયેલા પંકજ નરોત્તમભાઈ લુહારે કચ્છી દાતરડાં પર માત્ર એક જ મિનિટમાં ૨૦૭ દાંતા પાડી બતાવ્યા હતા. તેની આ અનેરી સિદ્ધિની નોંધ ઇન્ડિયા રેકોર્ડ્ઝમાં લેવાઈ છે.
ખેતીવાડીના વ્યવસાય માટે દાંતરડું અતિ અગત્યનું સાધન ગણવામાં આવે છે. નિરોણાનાં લુહારીકામ સાથે સંકળાયેલા કસબીઓ દાંતરડાંનાં નિર્માણમાં નિપુણ માનવામાં આવે છે. દાતરડાંની કિંમત અને ગુણવત્તા તેના પર પાડવામાં આવતા દાંતા પરથી અંકાય છે. દાંતાને કચ્છી લોકો ‘ક્કર’ કહે છે. લોખંડી આ ઓજાર પર ધારદાર લોખંડી પટ્ટી વડે પાડવામાં આવતા દાંતા પરથી આ કસબીની કિંમત અંકાય છે. એક દાતરડાં પર આમ તો ૯૦થી ૧૧૦ દાંતા હોય છે. એક ધારદાર દાતરડું બનાવવા ભારે મથામણ કરવી પડે છે તેમાં રેકોર્ડઝની ટીમની હાજરીમાં પંકજભાઈએ દાંતરડાં પર ૨૦૭ આંકા પાડ્યા હતા.