ભૂજ: ઐતિહાસિક ભૂજ શહેરનો ૪૭૦મો સ્થાપનાદિન અનેકવિધ કાર્યક્રમો સાથે શનિવારે ઉજવાયો હતો. એક તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ભૂજ નગરપાલિકા દ્વારા આ ઔતિહાસિક શહેરનો જન્મદિન અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ સાથે યોજાયો હતો. દરબારગઢમાં પ્રથમ નાગરિક અશોક હાથીએ શાસ્ત્રોક્તવિધિ સાથે આ શહેરનું પૂજન કર્યું હતું તેવા આ ભૂજ શહેરના જન્મદિને સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય નીમાબહેન આચાર્ય, ‘ભાડા’ના ચેરમેન કિરીટ સોમપુરા, સુધરાઈ ઉપપ્રમુખ સુશીલાબહેન આચાર્ય, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, નગરસેવકો તથા ભૂજપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસે રાજુ મહારાજે ખીલીપૂજન કરાવ્યું હતું અને ભૂજને હેપ્પી બર્થ ડે કહીને કેક કાપવામાં આવી હતી.
‘સત્યમ’ સંસ્થા દ્વારા બાળકોની નગરયાત્રા શહેરમાં ફરીને દરબારગઢ પહોંચી હતી, શહેરના સ્થાનિક તેમજ રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાઓની પ્રતિમાનું સન્માન કરાયું હતું, ગરીબોને શહેરના મહાનુભવો દ્વારા ભોજન અને કિટ અપાયાં હતાં તો શહેરમાં ઐતિહાસિક ચિત્રો દોરવાની સ્પર્ધા યોજાઈ હતી. શહેરીજનો ક્રિષ્નાસિંઘ ઠાકુર, ચંચલ ગોયલ, શ્રવણ ઠાકુર, અને વિધિ સોરઠિયા વિજેતા થયા હતા. આ સ્પર્ધાના ઇનામો આરવ કુનાલ વોરા (સુરત) તરફથી અપાયાં હતાં. ઘેર-ઘેર ટિફિન માટે સ્વ. શામજીભાઈ છાભૈયા (પટેલ) પરિવારનો સહયોગ સાંપડ્યો હતો. ગરીબોને ધાબળા, કપડાં વર્ષોથી બ્રિટન – લંડનમાં વસતા સાવિત્રીબહેન જગદીશભાઈ તરફથી અપાયા હતા.