ભૂજઃ વિદેશમાં વસેલા મૂળ કચ્છીઓ વતનમાં વારંવાર સેવાકાર્યોની સુવાસ ફેલાવતા રહે છે. રાપર તાલુકાના બાદરગઢ ગામે કરિયાણાની દુકાન ચલાવનાર જૈન પરિવાર હવે દુબઈમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. આ પરિવારે અન્ય લોકો માટે ઉદાહરણરૂપ કામ કર્યું છે. પરિવાર દ્વારા વતનમાં રૂ. ૫૧ લાખના સેવાકાર્યો જાહેર થયા છે. બાદરગઢમાં પિતાજીની કરિયાણાની દુકાનમાં કામ કરતાં યોગેશભાઈ દોશી હવે ૧૭ વર્ષથી દુબઈમાં વસે છે. ત્યાં તેમણે ઘણી નામના મેળવી છે. યોગેશભાઈના પત્ની નીતાબેન ૫૦મા વર્ષમાં પ્રવેશ કરતાં તેની ઉજવણી કરવા આવેલા દોશી પરિવારના તમામ સભ્યોએ આ ઉજવણીને સાર્થક કરવા કચ્છમાં જીવદયા, શિક્ષણ અને આરોગ્યસેવા માટે રૂ. ૫૧ લાખનું માતબર દાન જાહેર કર્યું છે.