ભુજઃ ૧૮થી ૨૦ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના આંગણે પ્રથમ વખત યોજાઈ રહેલી નેશનલ ડીજીપી સમીટમાં ગુજરાતી આતિથ્યના દર્શન આમંત્રણમાં જ થઈ ગયા છે. કચ્છના સફેદ રણ ખાતે યોજાનારી કોન્ફરન્સમાં રાજ્યોના પોલીસવડાઓને તેમનાં પત્નીને પણ સાથે લાવવાનું આમંત્રણ આપ્યું છે.
આ કોન્ફરન્સમાં દેશભરમાંથી આવનારા અધિકારીઓને ગુજરાતી થાળી પીરસાશે. સાથે સાથે અધિકારીઓને કચ્છ ઉપરાંત ગુજરાત ભ્રમણ કરવું હોય તો તેના માટે પણ ખાસ વ્યવસ્થા થશે. આ કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, સુરક્ષા પ્રધાન, ગૃહ વિભાગના અધિકારીઓ, સુરક્ષા સલાહકાર સહિત દેશના તમામ રાજ્યોના પોલીસવડા આઈબીના અધિકારીઓ સીબીઆઈના ડાયરેક્ટર સહિત RAW અને NIAના ઉચ્ચ અધિકારીઓ મળીને ૨૦૦થી વધુ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સમીટમાં આઈએસના ભાવિ જોખમો અને આઈએસઆઇની વધતી જતી સક્રિયતા અંગે ખાસ ચર્ચા થશે.
ભારતમાં દર વર્ષે યોજાતી નેશનલ ડીજીપી સમીટ ગયા વર્ષે પ્રથમ વખત દિલ્હી બહાર ગૌહાટીમાં યોજાઈ હતી અને આ વખતે કચ્છના સફેદ રણમાં ટેન્ટ સિટીમાં ડીજીપી મીટનું આયોજન કરાયું છે.