ભુજ: વિખ્યાત હડપ્પન શહેર એટલે કે સિંધુ-સરસ્વતી સંસ્કૃતિ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવા ભારત સરકારે યુનેસ્કોને ડોઝિયર મોકલી આપ્યું હોવાના અહેવાલ ૨૯મી માર્ચે જાહેર થયાં છે. જો યુનેસ્કોની મંજૂરી મળશે તો એકાદ-બે વર્ષમાં જ ધોળાવીરા ભારતનું ૩૯મું વિશ્વ ધરોહર સ્થળ બની શકે છે. કચ્છના રણદ્વીપ ખડીરમાં ઇ. સ. પૂર્વે ૩૦૦૦થી ૧૮૦૦ વચ્ચે ધોળાવીરા ધમધમતું રહ્યું હતું.
પુરાતત્ત્વવિદોના અભ્યાસ પ્રમાણે ધોળાવીરા તેની નગરરચનાને કારણે તેના સમકાલીન તમામ નગરો કરતાં વિશિષ્ટ ગણાય છે. પાણીની વ્યવસ્થાને ધ્યાને લઈને શહેરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું હોવાનું પણ અભ્યાસ દ્વારા માલૂમ પડે છે. ભારત સરકારે ધોળાવીરાને વિશ્વ ધરોહર સ્થળની સંભવિત યાદીમાં તો સ્થાન આપ્યું હતું, પરંતુ ચાલુ વર્ષે જ ભારત સરકારે યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઇ્ટસમાં સામેલ કરવા ધોળાવીરાની સાથે ડક્કન સલ્તનતના સ્મારક એમ બે નામ મોકલ્યા છે. જેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ડોઝિયર મોકલાયા પછી યુનેસ્કોની ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટસ અને વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન આ સ્થળોની મુલાકાત કરે છે. ૧૦ જેટલા વિવિધ માપદંડોના આધારે નિર્ણય લેવાય છે.
• ૨૦૧૭માં અમદાવાદ દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર જાહેર કરાયું
• ૨૦૧૮માં મહારાષ્ટ્રમાં આવેલી વિક્ટોરિયન ગોથિક આર્ટની ઇમારતો.
• ૨૦૧૯માં જયપુર ભારતનું બીજું વર્લ્ડ હેરિટેજ શહેર જાહેર કરાયું.