ભુજઃ ચલણમાંથી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો રદ થવાના બે દિવસ બાદ ૧૦મીએ કોઈ કારણોસર ઉત્તરપ્રદેશ અને ગુજરાતના કેટલાક શહેરોમાં મીઠું રૂ. ૨૦૦થી ૩૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું હોવાની અફવાએ જોર પકડયું હતું. ત્યારથી દેશના કુલ ઉત્પાદનમાં ૬૦ ટકાનો હિસ્સો ધરાવતા કચ્છ જિલ્લામાં મીઠા ઉદ્યોગમાં અચાનક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કચ્છ જિલ્લા સ્મોલ સ્કેલ સોલ્ટ મેન્યુફેક્ચર્સ એસો.ના જવાબદારોના જણાવ્યાનુસાર, કચ્છમાં બારેમાસ મીઠાનું ઉત્પાદન ચાલુ જ રહે છે. ઘરવપરાશના રિફાઈન્ડ સોલ્ટની દેશભરમાં કુલ માગ વાર્ષિક ૪૦ લાખ ટનની રહેતી હોય છે, જે પૈકી ૨૫ લાખ ટન ઉત્પાદન કચ્છ જિલ્લામાંથી થાય છે. ગત ત્રણેક દિવસથી મોંઘા ભાવે મીઠું વેચાઈ રહ્યું હોવાની અફવા બાદ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મીઠાના જથ્થાબંધ વેપારીઓ દ્વારા સ્ટોકની પૃચ્છા થઈ રહી છે.